RSS સાથેની સંસ્થાની મુસ્લિમ સંગઠનોને જાેડવા માટે પહેલ

File Photo
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓ કોઈ પણ જાતની કસર નથી છોડવા માગતી. તેના અંતર્ગત આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ) ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સંગઠનોને જાેડવાની પહેલ કરી રહી છે.
સંઘની મુસ્લિમ શાખાએ તેના અંતર્ગત ઉત્તર પ્રદેશના ૩ જિલ્લાઓમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે સમુદાયનું સમર્થન મેળવવા માટે મુસ્લિમ મૌલવીઓ અને વિદ્વાનો સાથે બેઠક કરવામાં આવી હતી.
એજન્સીના અહેવાલ પ્રમાણે બેઠક દરમિયાન મુસ્લિમ સમુદાયના સદસ્યોએ ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ‘ધર્મ સંસદ’માં કરવામાં આવેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ તેને ચિંતાજનક ગણાવ્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મીડિયા પ્રભારી શાહિદ સઈદના કહેવા પ્રમાણે તેમણે જામા મસ્જિદના મૌલાના, કાજી અને મુસ્લિમ બુદ્ધીજીવીઓ સાથે સમુદાયના સદસ્યોની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે વાત કરી હતી.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કહેવા પ્રમાણે પદાધિકારીઓને લાગ્યું કે, ધર્મ સંસદમાં જે પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે યોગ્ય નથી. સંગઠનના મતે સરકાર અને સંઘને આવી ધર્મ સંસદ સાથે કશું લાગતું વળગતું નથી. બેઠકમાં મુસ્લિમ સમુદાયના લોકોને એમ પણ કહેવામાં આવ્યું કે, મંચ આવા લોકોનું સમર્થન નથી કરતું. તેઓ એમની ટિપ્પણીની આકરી નિંદા કરે છે.
મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં મુસ્લિમ સમાજની મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને આર્ત્મનિભરતા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થઈ હતી.
એજન્સીના કહેવા પ્રમાણે સમુદાયના સદસ્યોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ તેમના સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)ની ૧૦ સદસ્યો ધરાવતી ટીમે અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાં અભિયાન ચલાવ્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ અખ્તર, સંગઠનના મદરેસા સેલના પ્રમુખ મજહર ખાન અને ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષ બિલાલ ઉર રહમાને અભિયાનમાં સામેલ લોકો સાથે ચર્ચા કરી હતી.SSS