RSSના સ્વ. હરીશભાઈ નાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી

RSS ગુજરાત પ્રાંતના વરિષ્ઠ પ્રચારક સ્વ. હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના વરિષ્ઠ પ્રચારક સ્વ. હરીશભાઈ નાયકની અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા
અને સદ્દગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ સમયે મુખ્યમંત્રીશ્રી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર: શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના વરિષ્ઠ પ્રચારક સ્વ. હરીશભાઈ નાયકનું અવસાન ૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ થયું હતું. સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યોમાં સ્વ. હરીશભાઈ નાયકનું યોગદાન હંમેશાં યાદ રહેશે. નોંધનીય છે કે, તેઓએ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું અને મૃત્યુ પછી તેઓની ઈચ્છા અનુસાર ભાવિ પેઢીઓના શિક્ષણ માટે દેહદાન કરવામાં આવ્યું છે.
સદ્દગતની શ્રદ્ધાંજલિ સભામાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા બહેન જૈન, રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી કંચનબહેન રાદડિયા, શ્રી દિનેશ કુશવાહ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો, સ્નેહી-પરિજનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.