‘ઉંદરોની જેમ’ RSS ઝારખંડમાં ઘુસી રહ્યું છેઃ હેમંત સોરેન
રાંચી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની સરખામણી ‘ઉંદરો’ સાથે કરી છે. આ સાથે હેમંત સોરેને ભાજપ અને આરએસએસ પર ચૂંટણીના ફાયદા માટે રાજ્યમાં સાંપ્રદાયિક ભાઈચારાને બગાડવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે.
સાહિબગંજ જિલ્લાના ભોગનાડીહમાં આયોજિત એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી હેમંત સોરેને દાવો કર્યાે કે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં દ્વેષના બીજ રોપી રહી છે. આ દરમિયાન હેમંત સોરેને ખાસ કરીને અસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાની એમાં સંડોવણી હોવાની વાત કરી હતી. હેમંત સોરેને ભાજપને વેપારીઓ અને ઉદ્યોગપતિઓની પાર્ટી ગણાવી હતી.
આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ પોતાના રાજકીય એજન્ડા માટે રાજકીય નેતાઓની ખરીદી કરી રહ્યું છે. તેમનો સ્પષ્ટ સંદર્ભ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન દ્વારા તાજેતરમાં ભાજપમાં સામેલ થવાને લઈને હતો.
અહીંયા નોંધવું રહ્યું કે, ચંપઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચો(જેએમએમ) પર ‘સન્માન નહીં આપવા અને અપમાનિત કરવા’નો આરોપ લગાવીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો.SS1MS