“આપણે પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં ખોટા રસ્તે ચાલે તો રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું રક્ષણ કરે”

અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ- મોહન ભાગવત
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ દેશ પાકિસ્તાન વિરૂદ્ધ રોષમાં છે. આ મામલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.
ભાગવતે કહ્યું કે, અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચાર કરનારાઓને ધર્મ શીખવવો પણ જરૂરી છે. આપણે ક્્યારેય આપણા પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં જો તે સતત ખોટા રસ્તા પર ચાલે તો રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું રક્ષણ કરે.
રાજા પોતાનું કામ કરશે. વધુમાં કહ્યું કે, આ હુમલો એ યાદ અપાવે છે કે આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે. લોકોની તેમનો ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. હિન્દુઓ ક્્યારેય આવું નહીં કરે. આ આપણો સ્વભાવ નથી. દ્વેષ અને દુશ્મનાવટ આપણી સંસ્કૃતિમાં નથી, પરંતુ ચૂપચાપ સહન કરવું પણ આપણી સંસ્કૃતિ નથી.
આપણા હૃદયમાં પીડા-દુઃખ છે. આપણે ગુસ્સામાં છીએ. આ દુષ્ટ પાપીઓને ખતમ કરવા માટે આપણે આપણી તાકાત બતાવવી પડશે. આગળ ભાગવતે કહ્યું કે, રાવણનો પણ વધ કરવામાં આવ્યો હતો. કારણકે, તેણે પોતાનું મન બદલવાનો ઈનકાર કર્યો હતો. કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. ભગવાન રામે તેને સુધરવાની તક આપી હતી, પરંતુ તે સુધર્યા નહીં, અને તેમનો વધ કરવામાં આવ્યો.
અમને મજબૂત કાર્યવાહીની અપેક્ષા છે. ખરેખર એક સાચા અહિંસક વ્યક્તિએ મજબૂત બનવું પડશે. જો તાકાત નહીં બતાવી તો તેઓ તેનો ફાયદો ઉઠાવશે. આપણે આપણી તાકાત બતાવવી પડશે અને તેમને પાઠ ભણાવવો પડશે.