RTE એક્ટ અમલવારી મુદ્દે સત્યશોધક સમિતિ માટે હુકમ

અમદાવાદ: રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારીના વિવાદને લઇ આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને કેટલાક મહત્વના નિર્દેશ જારી કર્યા હતા. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્યની ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને અપાતા પ્રવેશમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ત્રણથી પાંચ સભ્યોની ફેક્ટ ફાઇન્ડીંગ કમિટી(સત્યશોધક સમિતિ)ની રચના કરવાનો આદેશ કર્યો હતો. આ કમિટીમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અધ્યક્ષ તરીકે રહેશે. જ્યારે શિક્ષણ ક્ષેત્રના વિદ્વવાનો તેમજ સરકારી અધિકારીઓ આ સમિતિમાં રહેશે.
સમિતિની રચના બાદ ત્રણ મહિનામાં રિપોર્ટ આપવા પણ સુપ્રીમ કોર્ટે તાકીદ કરી હતી. અરજદારપક્ષ તરફથી આરટીઇની અમલવારીમાં રાજયની ખાનગી શાળાઓમાં ગંભીર ગેરરીતિ સહિતના આક્ષેપ કરતાં જણાવાયું હતું કે, સુપ્રીમકોર્ટના ચુકાદા અને રાઇટ ટુ એજયુકેશન એકટની સંબંધિત જાગવાઇ હેઠળ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટે દરેક ખાનગી શાળાએ તેમના ૨૫ ટકા ક્વોટા આરટીઇ હેઠળ જરૂરિયાતમંદ બાળકો માટે ફાળવવાનો હોય છે.
પરંતુ પહેલા ધોરણમાં આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ ના આપવો પડે તે માટે સંખ્યાબંધ ખાનગી શાળાઓ ઓછી વિદ્યાર્થી સંખ્યા દર્શાવી રહી છે. અરજદારપક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અગાઉ ગુજરાતમાં ૧૦૦૦ શાળાઓએ સરકારને એવી વિગત આપી હતી કે, પહેલા ધોરણમાં તેમની પાસે વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે.
જ્યારે ચાર હજારથી પણ વધુ શાળાઓએ પહેલા ધોરણમાં વિદ્યાર્થી સંખ્યા ૪૦થી ઓછી બતાવી હતી, આમ, શાળાઓ આરટીઇ હેઠળ સમાજના ગરીબ અને નબળા બાળકોને પ્રવેશ આપવા જ માંગતી નથી અને આમ કરીને તેઓ આવા બાળકોને શિક્ષણના બંધારણ અને કાયદામાં બક્ષાયેલા અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસ અને નિર્દેશો જરૂરી બને છે.