RTE હેઠળ ગુજરાત સરકાર બાળક દીઠ વાર્ષિક રૂ. 13 હજાર ચૂકવે છે
અમદાવાદ, ‘રાઇટ ટુ એજ્યુકેશન’ હેઠળ ગુજરાત સરકાર બાળક દીઠ વાર્ષિક રૂપિયા ૧૩ હજાર ખાનગી શાળાને ચૂકવતી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ પ્રાથમિક શાળામાં બાળક દીઠ સૌથી ઓછા વાર્ષિક રૂ. ૨૮૯૫ અને દિલ્હી સરકાર બાળક દીઠ સૌથી વધુ રૂ. ૨૮૦૦૮ ચૂકવે છે. ‘રાઇટ ટુ એજ્યુકેશન’ હેઠળ રાજ્ય સરકાર બાળક દીઠ વાર્ષિક કેટલી ફી ખાનગી સ્કૂલને ચૂકવે છે તેના અંગે લોકસભાના શિયાળુ સત્રમાં પૂછવામાં આવેલા સવાલમાં આ ખુલાસો થયો છે. આમ, એક ખાનગી શાળામાં ૧૦૦માંથી ૨૫ વિદ્યાર્થીઓને ‘રાઇટ ટુ એજ્યુકેશન’ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હોય તો તેમને ગુજરાત સરકાર દ્વારા બાળક દીઠ રૂપિયા ૧૩ હજાર ચૂકવાય છે.
બાળકોના આ શિક્ષણ ખર્ચમાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર કોઇ સુધારા કરવામાં આવ્યા છે કે કેમ તેના સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ‘રાજ્ય સરકાર અને સંઘ પ્રદેશે આરટીઇ હેઠળ બાળક દીઠ કેટલો ખર્ચ થાય છે તેની વિગત કેન્દ્ર સરકારને આપવી પડે છે. પરંતુ આરટીઇ હેઠળ બાળક દીઠ થતાં ખર્ચમાં કોઇ ફેરફાર કરવો કે કેમ તે રાજ્ય સરકારને હસ્તક હોય છે. અન્ય રાજ્યમાંથી મહારાષ્ટ્ર રૂ. ૧૭૭૬૦, કર્ણાટક પ્રાથમિક માટે રૂ. ૮ હજાર અને માધ્યમિક માટે રૂ. ૧૬ હજાર, ત્રિપુરા રૂ. ૨૧૧૩૮ ચૂકવે છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રમાં ગુજરાતમાંથી આરટીઇ હેઠળ એડ્મિશન મેળવવા માટે કુલ ૧,૯૩,૬૩૦ ઓનલાઇન અરજી મળી હતી. આ વખતે ૧૦૧૮૦ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાંથી ૧,૧૮,૧૧૦ બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડ્મિશન આપવાની જોગવાઇ હતી. આિર્થક રીતે નબળા વર્ગના બાળકોને આરટીઇ હેઠળ ૨૫%ના ક્વોટામાં પ્રવેશ અપાય છે.