RTI હેઠળ માગવામાં આવેલ ફૂટેજ ડિલિટ નહીં કરી શકાય
અમદાવાદ: સરકારી કચેરીઓના સીસીટીવી ફૂટેજ ખાસ કરીને આરટીઆઈ એક્ટ હેઠળ માગવામાં આવેલા ફૂટેજને ડિલીટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને જાે તેમ થશે તો તેને રાજ્ય માહિતી આયોગ રેકોર્ડનો નાશ તરીકે લેશે, તેમ ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે. આયોગનું અવલોકન છે કે, આ પ્રકારના વીડિયો ફૂટેજને માહિતી આયોગ સામે બીજી અપીલ થાય ત્યાં સુધી અથવા કોર્ટ દ્વારા સમાધાન ન થાય ત્યાં સુધી સાચવવા જાેઈએ.
આ વર્ષની ૧૨મી ફેબ્રુઆરીએ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ એસઆઈસી અમૃત પટેલ દ્વારા કાલુપુરમાં રહેતા અરજદાર પંકજ પટેલના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો, જેમણે અમદાવાદ આરટીઓ ઓફિસના વીડિયો ફૂટેજ માગ્યા હતા. આયોગે નોંધ્યું કે, ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં સીસીટીવી ફૂટેજ માગવામાં આવ્યા હતા, જે ૨૬ દિવસ બાદ ઓટો ડિલીટ કરવામાં આવ્યા હતા. જે બાદ એસઆઈસી પટેલે આદેશ આપ્યો હતો કે આ પ્રકારનો ડિજિટલ રેકોર્ડ જે વિવાદિત હોય અથવા રાજ્ય માહિતી આયોગ કે પછી કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોય તેને સાચવી રાખવા જાેઈએ. આદેશમાં કહેવામાં આવ્યું છે
દરેક સરકારી કચેરીમાં આ પ્રકારના ડિજિટલ રેકોર્ડ્સ સચવાઈ રહે તેનું ધ્યાન રાખવાની સંપૂર્ણ જવાબદારી જાહેર માહિતી અધિકારીની રહેશે અથવા નિયુક્ત પીઆઈઓ (પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર) સામે દંડની જાેગવાઈ લાગુ કરવામાં આવશે. એસઆઈસીએ અગાઉ ડિસેમ્બર, ૨૦૧૮માં બનેલા કેસનો સંદર્ભ આપ્યો હતો,
જ્યાં એક સરકારી વિભાગે આરટીઆઈ અરજી થયાના બીજા જ દિવસે ૨૦ દિવસના સીસીટીવી ફૂટેજ ડિલીટ કર્યા હતા. એસઆઈસીએ અવલોકન કર્યું હતું હતું કે, નાશ કરવો અથવા ઓટો ડિલીટ થઈ જવું તે માહિતી આયોગ માટે ચિંતાનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે અને આ અંગે રાજ્ય સરકારને પણ એડવાઈઝરી આપવામાં આવી છે.