RTO, અમદાવાદ દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન
ટુ-વ્હિલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર ના અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે.
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા.૧૬ જુન થી ૧૮ જુન ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
ટુ-વ્હિલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancyપર આગામી તા ૧૬ જુન થી ૧૮ જુન ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.૧૯ અને ૨૦ જુન ૨૦૨૨ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancyવેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.