‘કન્નપ્પા’ને અલૌકિક શક્તિ આપશે રુદ્ર અવતાર

મુંબઈ, વિષ્ણુ માંચુની ‘કન્નપ્પા’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તેના પાત્રોના એક પછી એક લૂક જાહેર થઈ રહ્યા છે. ભગવાન શિવના પરમ ભક્ત મનાતા ‘કન્નપ્પા’ના જીવન પર બની રહેલી મસમોટા બજેટની ફિલ્મ ૨૫ એપ્રિલે થિએટરમાં રિલીઝ થઈ રહી છે.
આ એક પૌરાણિક ફિલ્મ છે, જેના પોસ્ટર્સ ફિલ્મની ટીમ દ્વારા એક પછી એક સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ રહ્યા છે, સાથે ફિલ્મ માટેની આતુરતા પણ વધવા માંડી છે.
આ ફિલ્મમાં પ્રભાસ રુદ્રનું પાત્ર ભજવશે, તેનું પોસ્ટર સોમવારે લોંચ થયું છે. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ફિલ્મની ટીમ દ્વારા શેર કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે, “એ તોફાન લઇને આવશે! તે ભૂત અને ભવિષ્યના જાણકાર છે. તે ભગવાન શિવના આદેશને આધીન છે.”
આ વાત પરથી ખ્યાલ આવે છે, કે પ્રભાસનું પાત્ર આ ફિલ્મમાં કેટલું મહત્વનું અને શક્તિશાળી છે.આ પોસ્ટર શેર કરતા એક્સ પર કૅપ્શનમાં લખાયું હતું, “ શક્તિશાળી રુદ્ર – એક એવો બળવાખોર રુદ્ર, જે કન્નપ્પામાં અલૌકિક તાકાત, સમજણ અને સુરક્ષાનો સ્ત્રોત છે.
ભક્તિ, બલિદાન અને અતૂટ પ્રેમની અતુલ્ય સફર પર આવવા તૈયાર થઈ જાઓ. આ મહાન દંતકથા આ એપ્રિલમાં મોટા પડદે જોઈ શકશો.”મુકેશ કુમાર સિંઘ દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં વિષ્ણુ માંચુ, મોહન બાબુ, મોહનલાલ, પ્રિટી મુકુંદન, અક્ષય કુમાર, સરતકુમાર અને કાજલ અગ્રવાલ જેવી લોકપ્રિય સ્ટાર કાસ્ટ પણ છે.
‘કન્નપ્પા’નો મોટા ભાગનો હિસ્સો ન્યુઝીલેન્ડમાં શૂટ થયો છે, જેના દૃશ્યો મોટા પડદે જોવામાં ખાસ મજા આવશે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મ યૂએસના સિનેમેટોગ્રાફર શેલ્ડન ચૌ અને સિદ્ધાર્થ દ્વારા શૂટ કરવામાં આવી છે. જ્યારે સ્ટીફન ડેવાસી દ્વારા તેનું મ્યુઝીક આપવામાં આવ્યું છે તેમજ પ્રભુ દેવાએ તેની કોરિયોગ્રાફી કરી છે.SS1MS