બેફામ ડ્રાઈવિંગ પર સકંજો કસવા પરિવહન વિભાગની તૈયારી

પોઈન્ટ સિસ્ટમ દ્વારા લાઈસન્સ થશે રદ
(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં ઓવરસ્પીડ, રેડ લાઇટ જમ્પ અને સીટ બેલ્ટ ન પહેરવા જેવી ભૂલ પર ભારે ચલણ બાદ પણ પણ અવાર-નવાર કાર અને બાઇકચાલકો નિયમોનો ભંગ કરતા રહે છે.
ચલણનો ભારે દંડ છતાં તેમાં કોઈ ખાસ ઘટાડો જોવા નથી મળતો. એવામાં પરિવહન વિભાગ દ્વારા ખરાબ ડ્રાઇવિંગ પર લગામ લગાવવા માટે પાઇન્ટ સિસ્ટમ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ કોઈ ડ્રાઇવર ઓવરસ્પીડમાં ગાડી ચલાવે છે અથવા રેડ લાઇટ જમ્પ કરે છે તો તેના લાઇસન્સ પર નેગેટિવ પોઇન્ટ થઈ જશે.
એટલું જ નહીં જો આ નેગેટિવ પોઇન્ટ્સની સંખ્યા એક લિમિટ કરતા વધી ગઈ તો ડ્રાઇવિંગ લાઇસન્સને સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવી શકે છે. આ નેગેટિવ પોઇન્ટ ચલણથી અલગ હશે. તેનો અર્થ એ છે કે, ઓવરસ્પીડ, રેડ લાઇટ જમ્પ અને સીટ બેલ્ટ ન પહેરવા પર જે ચલણ થાય છે, તે શરૂ જ રહેશે. આ સિવાય પોઇન્ટ સિસ્ટમ પણ જોડવામાં આવશે.
જોકે, હજુ સુધી આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ, ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના માટે મંથન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, પરિવહન વિભાગ દેશના તમામ રાજ્યો સાથે આ સંબંધિત ચર્ચા કરે અને તેના આધારે આવી કડક વ્યવસ્થા લાવવાની તૈયારી કરે.
ભારતમાં આવી વ્યવસ્થા પહેલીવાર આવશે પરંતુ, ઓસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટેન, ફ્રાન્સ, કેનેડા જેવા દેશોમાં પહેલાથી જ લાગુ છે. એટલું જ નહીં, ચીનના પણ અમુક શહેરોમાં તંત્રએ પોઇન્ટ સિસ્ટમ શરૂ કરી છે. પરિવહન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, લાઇસન્સિંગ સિસ્ટમમાં મેરિટ અને ડિમેરિટ પોઇન્ટ જોડવામાં આવશે. આ સિવાય અમુક મહિનામાં જ મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવશે અને આ પોઇન્ટ વ્યવસ્થા શરૂ થશે.