Western Times News

Gujarati News

10 એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે

માધવપુર ઘેડ મેળાનું તા.૬ એપ્રિલના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે ઉદ્ઘાટન

અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ માધવપુર મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ અંતર્ગત માધવપુર ઘેડના મેળાની તૈયારી રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણીએ માહિતી આપતાં જણાવ્યું કે, તા.6 એપ્રિલના રોજ સાંજે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે માધવપુર ઘેડ મેળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને  ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવો સૂચિત કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે.

મેળામાં દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા દરરોજ સાજે ડાયરાઓ યોજવામાં આવશે તેમજ સ્ટેડિયમ ટાઈપ ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના રાજ્યો ૧૬૦૦ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.

આ વર્ષનો મેળો વિશેષ ગૌરવ રૂપ રહેશે. વિશાળ સંખ્યામાં કલાકારોની પ્રસ્તુતિને ધ્યાનમાં રાખીને મેળાનું  ગ્રાઉન્ડ  કાર્યક્રમની અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. જે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. કલેકટર સહિતના અધિકારીઓએ મેળામાં થઈ રહેલી તૈયારી અને ગ્રાઉન્ડની વિશેષતાની માહિતી પણ આપી હતી.

માધવપુર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથ ખાતે પણ આયોજિત થશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ

આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સાથે સાથે મેળામાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે. કે,શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન આયોજનમા આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે. ત્યારબાદ તા.6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. તેમજ તા.9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે અને તા.10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકિમણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.