ઉત્તરપ્રદેશમાં કાયદાનું શાસન સંપૂર્ણ પડી ભાંગ્યુ છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, દીવાની વિવાદોના કિસ્સાઓમાં ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા આડેધડ ફાઈલ કરાતી એફઆઈઆરના મામલે રોષ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદાનું શાસન સંપૂર્ણ પડી ભાંગ્યુ છે.
નાણાંની લેવડ-દેવડના એક કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના, સંજય કુમાર તથા કે.વી. વિશ્વાનાથનની બેન્ચે જણાવ્યું હતું કે, દીવાની મામલાને ફોજદારી કેસમાં તબદીલ કરવાની બાબત કોઈ પણ હિસાબે સ્વીકારી ના શકાય. ઉત્તરપ્રદેશમાં કાયદાનું શાસન સંપૂર્ણ રીતે પડી ભાંગ્યુ છે. સર્વાેચ્ચ અદાલતે આ મુદ્દે રાજ્યના ડીજીપીને બે સપ્તાહમાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
દીપક બહલ નામના એક કારોબારીએ નાણાંના વિવાદ મામલે દેબુ સિંહ અને દીપક સિંહ નામના બે આરોપીઓ સામે કરેલાં ફોજદારી કેસને અલ્હાબાદ હાઈકોર્ટે રદ્દ કરવાનો ઈનકાર કરતાં બંને આરોપીઓએ સુપ્રીમનું શરણું લીધું હતું. સર્વાેચ્ચ અદાલતે આરોપીઓ સામેની ફોજદારી કાર્યવાહી સામે મનાઈ હુકમ જારી કર્યાે હતો.
પોતાના એક ચુકાદાનો સંદર્ભ ટાંકતા બેન્ચે જણાવ્યું હતું કે, દીવાની વિવાદના કિસ્સામાં ફરિયાદ દાખલ ના કરી શકાય. બેન્ચે ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ઓફિસર અથવા તપાસ અધિકારીને દીવાની કેસમાં ફોજદારી કાયદો કેમ લાગુ કર્યાે તેની સ્પષ્ટતા કરતું સોગંદનામું દાખલ કરવા પણ આદેશ આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં રોજેરોજ આંચકાજનક ઘટનાઓ બની રહી છે.
દરરોજ દીવાની મુકદમાઓને ફોજદારી કેસોમાં તબદીલ કરાઈ રહ્યાં છે. આ અત્યંત વિચિત્ર છે. અમે તપાસ અધિકારીને અમારી સમક્ષ હાજર રહેવા આદેશ આપીએ છીએ. બેન્ચે ઉત્તરપ્રદેશના વકીલોની પણ ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, એવું જણાય છે કે, રાજ્યના વકીલો એ બાબત ભૂલી ગયા છે કે દીવાની ન્યાયક્ષેત્ર જેવું પણ કંઈ અસ્તિત્વ ધરાવે છે.SS1MS