ભાજપના ૧૫ ધારાસભ્યને હિમાચલ વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા
મારા રાજીનામાની અફવા ભાજપે ફેલાવીઃ સુખવિંદર સિંહ સુક્ખુ
હિમાચલમાં સરકાર બચાવવા કોંગ્રેસના પ્રયાસો-હિમાચલમાં રાજકીય ઘમાસાણઃ ભાજપના ૧૫ ધારાસભ્યને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા
શિમલા, હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં જ કોંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી ગઈ હોય તેઓ દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. બીજીબાજુ, કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા બાદ મોવડી મંડળ એલર્ટ થઈ ગયું છે અને હિમાચલમાં સરકાર બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા મરણિયો પ્રયાસો શરૂ કરવામાં આવ્યો છે.
બીજી બાજુ, ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના ધારાસભ્ય પરનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષે આજે સ્થગિત રાખ્યો હતો. હવે આવતીકાલ ગુરુવાર હિમાચલની રાજકીય ગતિવિધિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ હતી જ્યારે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ક્રોસ વોટિંગને કારણે હારી ગયા હતા. અહીં મોટી વાત તો એ છે કે, હિમાચલ પ્રદેશમાં ભાજપ પાસે બહુમતી નહોતી પરંતુ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું જેના કારણે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને સમાન મતો મળ્યા હતા. આ પ્રથમ વખત બન્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સમાન મતને કારણે વિજેતા કે હારનારનો નિર્ણય મતની કાપલી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયમાં પણ કોંગ્રેસ નસીબદાર રહી ન હતી અને તેમાં ભાજપનો વિજય થયો હતો.
હિમાચલ વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે. દરમિયાન ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસ સરકારે તેના ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો છે. જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ પાસે વોટિંગ ડિવિઝનની માંગ કરી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. દરમિયાન સ્પીકરે મોટી કાર્યવાહી કરી છે અને ભાજપના ૧૫ ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપના આ ધારાસભ્યોમાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં આ અંગે પ્રિયંકા ગાંધી અને મÂલ્લકાર્જુન ખડગેને જાણ કરી છે. તેમણે કહ્યું કે કેટલીકવાર આકરા નિર્ણયો લેવા પડે છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા હું આ સરકારમાં રહી શકતો નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિક્રમાદિત્ય સિંહ પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.
તેણે તેના પિતાની સરખામણી છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી હતી. તેમણે કહ્યું કે આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે થઈ હતી. ભારે હૃદય સાથે મારે કહેવું છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર ૨ યાર્ડ જમીન આપવામાં આવી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
આ સાથે વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, જે સંજોગોમાં ૨૦૨૨ની ચૂંટણી યોજાઈ હતી, તેમાં વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી અને પ્રતિભા સિંહે સંયુક્ત પ્રયાસો કર્યા હતા. ત્યારે ચૂંટણીમાં વીરભદ્ર સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ વીરભદ્રના ફોટાનો ઉપયોગ કરીને જાહેરાતો દ્વારા જનતા પાસેથી મત માંગ્યા હતા. મને ક્યારેય કોઈ પદની ઈચ્છા નહોતી. ધારાસભ્યોની અવગણના કરવામાં આવી છે.
ધારાસભ્યોને હેરાન કરવામાં આવ્યા છે. સરકારનું શાસન આપણી સમક્ષ છે. આ મુદ્દાઓ હાઇકમાન્ડ સમક્ષ વારંવાર ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. અમે અમારાથી બની શકે એટલી મહેનત કરી અને સરકારને ટેકો આપ્યો. દુઃખ સાથે મારે કહેવું છે કે મારું અપમાન થયું છે. મારા વિભાગની કામગીરીમાં દખલગીરી હતી. હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે મીડિયા સામે રજૂ થતાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે મેં રાજીનામું નથી આપ્યું.