રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાયઃ સી. આર. પાટીલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/cr-patil.jpeg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ-
ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાંં ઉતર્યા
ગાંધીનગર, છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે.ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જો કે તે પછી મામલો બીચક્યો હતો.
હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ગાંધીનગરમાં બેઠક યોજાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. સી આર પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી. આ સાથે જ બેઠકમાં હર્ષ સંઘવી, બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે બેથી ત્રણ દિવસમાં ક્ષત્રિય સમાજમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે તે શાંત થઇ શકે છે.ભાજપ હાઇ કમાન્ડ દ્વારા એવુ કહી દેવામાં આવ્યુ છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે, એટલે કે પરષોત્તમ રુપાલાને બદલવામાં નહીં આવે, જે નારાજગી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.ગઇકાલે મુખ્યમંત્રીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ હતી.
જે દરમિયાન ગુજરાતની વાત થવી એ સ્વાભાવિક છે. રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે.
ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.