અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં એડમિશન મેળવવા ધસારો
નવા પ્રવેશ માટે સ્કૂલ બોર્ડે હાથ ધરેલા સર્વેમાં ૨૯,૦૦૦થી વધુ બાળકો નોંધાયા
(એજન્સી)અમદાવાદ, શહેરમાં કોર્પાેરેટ લૂક ધરાવતી ખાનગી શાળાઓની સામે હવે છેલ્લાં કેટલાંક વર્ષથી મ્યુનિસિપલ કોર્પાેરેશન સંચાલિત શાળાઓએ કાઠું કાઢ્યું છે. મોંઘવારીના હાલના જમાનામાં ખાનગી શાળાઓ ભારે ફીના કારણે સારી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને પણ પરવડે તેવી રહી નથી.
આ સંજોગોમાં વાલીઓએ મ્યુનિસિપલ શાળાઓ તરફ નજર દોડાવી છે. મ્યુનિ.શાળાઓ ભલે સરકારી શાળાઓમાં ગણાતી હોય, પરંતુ આ શાળાઓ તેનાં કૌશલ્યવર્ધન સાથેનાં શિક્ષણ અને વિવિધ પ્રકારની સુવિધાઓના કારણે વાલીઓમાં લોકપ્રિય બની છે. આગામી જૂન-૨૦૨૪થી મ્યુનિ.શાળાના બાલવાટિકા અને ધોરણ-૧માં પોતાનાં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓ ભારે આતુર બન્યા હોવાનું સામે આવ્યું છે.
હાલમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં ૪૩૯ શાળા ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી જેવા માધ્યમમાં ચાલી રહી છે. સ્કૂલ બોર્ડની માલિકીની ૩૧૨ બિલ્ડિંગમાં અત્યારે ૧.૬૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. આ બાળકોને ઉચ્ચ લાયકાત ધરાવતા ૪,૬૦૦ જેટલા શિક્ષકો વિદ્યાભ્યાસ કરાવે છે.
મ્યુનિ.સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓના અથાગ પ્રયાસોના કારણે શાળાઓના શિક્ષણનું સ્તર દિવસે દિવસે સુધરતું જાય છે. અત્યારે અમદાવાદમાં ૮૧ સ્માર્ટ શાળા ધમધમે છે. આ સ્માર્ટ શાળાઓ ખાનગી શાળાઓને પણ અમુક બાબતમાં ટક્કર મારે તેવી છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ૨૧૭ શાળા ચાલી રહી છે. આ તમામ શાળાઓમાં માળખાકીય સુવિધાઓની ભરમાર છે, જેના કારણે વાલીઓ દિન-પ્રતિદિન મ્યુનિ.શાળા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે.
તંત્ર દ્વારા ડિસેમ્બરના અંતમાં જૂન-૨૦૨૪માં બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોને લગતો સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે ગત ૩૧ માર્ચે પૂર્ણ કરાયો છે, જે હેઠળ જે તે શાળાના મુખ્ય શિક્ષક, વર્ગ શિક્ષક, વિષય શિક્ષક વગેરેએ સ્લમ વિસ્તાર, શેરી-મહોલ્લા વિસ્તાર, ફ્લેટ વિસ્તારમાં ફરીને બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોનાં વાલીઓનો સંપર્ક કર્યાે હતો.
આ વાલીઓ પાસે પ્રવેશ મેળવવા માટેનાં ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. સત્તાવાળાઓનાં સર્વે મુજબ બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની કુલ સંખ્યા ૯,૨૩૧ છે, જે પૈકી ૪,૬૮૩ બાળકો કુમાર છે અને ૪,૫૮૪ કન્યા છે. અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે ૭૫૦ બાળકો નોંધાયા છે. જ્યારે હિન્દી માટે ૧,૦૪૦ બાળક અને ઉર્દૂ માટે ૯૨૬ બાળકની નોંધણી થઈ છે. આમ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સર્વે અનુસાર બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોની કુલ સંખ્યા ૨૯ હજારથી વધુ થાય છે, જે એક નવો રેકોર્ડ છે.
હવે ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકની કુલ સંખ્યા સર્વે મુજબ ૨૦,૧૩૦ની થઈ છે, જે પૈકી ૯,૯૨૯ કુમાર અને ૧૦,૨૦૧ કન્યાઓ નોંધાઈ છે આમાં અંગ્રેજી માધ્યમમાં ૧,૭૭૪ બાળકો, હિન્દી માધ્યમમાં ૨,૯૩૫ બાળકો અને ઉર્દૂ માધ્યમમાં ૧,૫૮૬ બાળકો નોંધાઈ ચૂક્યાં છે. અત્યાર સુધીનાં વર્ષાેમાં આ વર્ષે મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. માહિતગાર સૂત્રો જણાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૫,૫૦૦થી વધુ બાળકો પ્રવેશ મેળવવાનાં છે, જે ખરેખર પ્રોત્સાહનજનક બાબત છે.