હાથીજણની ઘટના બાદ પેટડોગ રજિસ્ટ્રેશન કરાવવા દોડધામ

પ્રતિકાત્મક
અમદાવાદ, શહેરમાં વિવિધ પ્રજાતિનાં પેટડોગ રાખવાનાં શોખીનો હાથીજણની ઘટના બાદ ચોંકી ઉઠ્યા છે અને પેટડોગનાં રજીસ્ટ્રેશન નહિ કરાવનારા લોકો તો પોલીસ કેસ સહિતનાં પગલાની ચીમકીથી તાત્કાલિક મ્યુનિ. સીએનસીડી ખાતામાં પોતાનાં પેટડોગનાં રજીસ્ટ્રેશન કરાવવા દોડધામ કરી રહ્યાં છે.
તેના પગલે છેલ્લા બે દિવસમાં જ ૬૩૦થી વધુ પેટડોગનાં રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં અનેક નાગરિકો તેમને અનુકુળ આવે તેવા અને ગમે તેવા જુદી જુદી પ્રજાતિનાં પેટડોગ રાખતા હોય છે, પરંતુ અમુક લોકો સમજ્યા વગર જ આક્રમક સ્વભાવ ધરાવતાં રોટવિલર જેવી પ્રજાતિનાં પેટડોગ પાળતાં હોય છે તેવી માહિતી આપતાં સ્ટે.ચેરમેને કહ્યું કે,હાથીજણ વિસ્તારમાં આવા જ એક રોટવિલર ડોગે નાની બાળકીને બચકા ભરી લેતાં તેનુ કરૂણ મોત નીપજ્યુ તે બાબતને ગંભીરતાથી લઇ સીએનસીડી ખાતાનાં અધિકારીઓને પેટડોગનાં રજીસ્ટ્રેશન ના કરાવે તેવા લોકો સામે કડકમાં કડક પગલા લેવાની સૂચના આપવામાં આવી છે.
દરમિયાનમાં મ્યુનિ. સીએનસીડી ખાતામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાથીજણની ઘટના બાદ પેટડોગનાં રજીસ્ટ્રેશન નહિ કરાવનારા માલિકો સામે પગલા લેવાની ચીમકીને પગલે અનેક લોકોએ તેમનાં પેટડોગનાં રજીસ્ટ્રેશન કરાવવાની દોડધામ આદરી છે.
જેમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૮૭૩ લોકોએ તેમનાં ૫૫૪૮ પેટડોગનાં રજીસ્ટ્રેશન કરાવી લીધા છે, અને છેલ્લા બે દિવસમાં જ ૩૩૦ પેટડોગની નોંધણી થઇ ગઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પેટડોગનાં રજીસ્ટ્રેશનનાં નિયમ જાહેર થયાં બાદ સાત ઝોનમાં અત્યારસુધીમાં કુલ ૫૩૫૦ લોકોએ ૬૦૮૮ પેટડોગનાં રજીસ્ટ્રેશન કરાવી લીધા છે.SS1MS