રશિયાએ યુક્રેનના લોકોને પાણી અને ઇલેક્ટ્રિસિટીથી વંચિત કર્યા

કીવ, રશિયાએ ગઈ કાલે કરેલા હવાઈ હુમલાને કારણે યુક્રેનના લોકો ઇલેક્ટ્રિસિટી તેમ જ પાણીથી વંચિત થઈ ગયા છે. રશિયાની આ કાર્યવાહીથી શાંતિની વાટાઘાટનો કોઈ અર્થ નથી રહ્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી થયેલા હુમલાને કારણે ત્રીજા ભાગનાં પાવર સ્ટેશન નાશ પામ્યાં છે.
વળી બીજી તરફ રશિયાએ યુક્રેનના ચાર પ્રદેશને પોતાના ગણાવ્યા હતા તેમ જ એના પર કરવામાં આવનારા હુમલાને રશિયા પર કરાતા હુમલા ગણાવીને પરમાણુ હુમલાની ધમકી પણ આપી હતી.
પુતિનના પ્રવક્તા દિમિત્ર પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે ડોનેટસ્ક, લુહાન્સક, ઝાપોરિઝઝિયા અને ખેરસન પ્રદેશ રશિયન ફેડરેશનના અવિભાજ્ય અંગ છે. વળી એના રક્ષણ માટે રશિયા પરમાણુ યુદ્ધ કરતા પણ ખચકાશે નહીં. યુક્રેનના આ ચાર પ્રદેશને રશિયાના પરમાણુ શસ્ત્રથી સુસજ્જ ગણાવ્યા છે. આના પરથી કહી શકાય કે મૉસ્કો એના રક્ષણ માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.
યુક્રેને તેના પાવર પ્લાન્ટની સુરક્ષા માટે પશ્ચિમના સાથી દેશોને વધુ હવાઈ સંરક્ષણ આપવા માટે વિનંતી કરી છે, કારણ કે શિયાળો શરૂ થઈ રહ્યો છે તેમ જ ત્રીજા ભાગનાં પાવર સ્ટેશનોનો નાશ થયો છે.
રશિયાનાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની માર્ગદર્શક સૂચનાઓ એમ કહે છે કે જ્યારે રશિયા પર હુમલો થાય તો તેઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે. આમ યુક્રેન દ્વારા પોતાનો પ્રદેશ પાછો લેવા માટે કરવામાં આવતી લડાઈને પોતાના માટે ખતરો બતાવી રશિયા પરમાણુ હુમલા માટે તૈયારી કરી રહ્યું છે.SS1MS