રશિયાએ અમેરિકા સાથે સંબંધો સુધારવાની ઇચ્છા છોડી નથી: પુતિન
મોસ્કો, નવા ચૂંટાયેલા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં શપથ લેવાના છે ત્યારે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે, રશિયાએ અમેરિકા સાથેના સંબંધો સુધારવાની ઇચ્છા ગુમાવી નથી. તેમણે કહ્યું હતું કે, રશિયાના હિતો સાથે સમાધાન નહીં કરવાની સ્થિતિમાં તે અન્ય દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા તૈયાર છે.
રશિયન ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યા અનુસાર વ્લાદિમીર પુતિને રવિવારે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “ઇચ્છાશક્તિ હોય તો બધું શક્ય છે. અમે ક્યારેય આ (અમેરિકા સાથે સંબંધ સુધારવાની) ઇચ્છા છોડી નથી. અમે કોઇની સાથે સંબંધ બાંધીશું તો તેનો એક માત્ર આધાર રશિયાનું હિત હશે.” પુતિને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ફેરફાર દર્શાવવા ૧૯ અને ૨૦મી સદીની ઘટનાઓ તરફ ધ્યાન દોર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “૧૮૫૯-૧૮૫૬ના ગાળામાં ક્રિમિયાના યુદ્ધ પછી રશિયા પર શ્રેણીબદ્ધ નિયંત્રણ લાદવામાં આવ્યા ત્યારે એ વખતના રશિયન વિદેશ મંત્રી એલેક્ઝાંડર ગોર્ચાકોવે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “રશિયા ગુસ્સામાં નથી, તે ધ્યાન એકાગ્ર કરી રહ્યું છે.
ધીમેધીમે રશિયાએ ‘બ્લેક સી’માં તેના અધિકાર પણ પરત કર્યા હતા અને રશિયા સતત વધુ મજબૂત બનતું રહ્યું હતું.”ઉલ્લેખનીય છે કે, રશિયાએ ગયા સપ્તાહે તેના નાગરિકોને એડવાઇઝરી જારી કરીને ચેતવણી આપી હતી. જેમાં તેમને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની મુસાફરી નહીં કરવા જણાવાયું હતું.
એડવાઇઝરીમાં જણાવ્યા અનુસાર આ દેશોનો પ્રવાસ કરનાર રશિયન નાગરિકોને સત્તાવાળા પકડી શકે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ અમેરિકા અને રશિયાના સંબંધો ‘પડી ભાંગવાની તૈયારીમાં હોવાનું’ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પુતિને જણાવ્યું હતું કે, તે યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવા આગામી મહિને શપથ લેનારા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાટાઘાટ માટે તૈયાર છે.SS1MS