Western Times News

Gujarati News

રશિયા યુક્રેન પર કરી શકે પરમાણુ હુમલો

નવી દિલ્હી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. જો કોઈ દેશ પરમાણુ શક્તિ ધરાવતા દેશ સાથે મળીને રશિયા પર મિસાઈલ હુમલો કરે છે, તો આવી સ્થિતિમાં મોસ્કો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

આમ આ સંભાવના હવે દેખાઇ રહી છે. યુક્રેને લાંબાઅંતરની માર કરતી છ મિસાઇલો રશિયા પર છોડી હોવાથી આવા યુદ્ધની સંભાવના વધી ગઇ છે. બે દિવસ પહેલા અમેરિકી પ્રમુખ બાઇડેને યુક્રેનને રશિયાની અંદર લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ પુતિને પણ આ નિર્ણય લીધો હતો.

પુતિને યુક્રેન યુદ્ધના ૧૦૦૦ દિવસ પૂરા થવાના દિવસે પરમાણુ હથિયારો સંબંધિત નવા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.પુતિને એક સરકારી ટીવી ચેનલ પર કહ્યું હતું કે જો અમેરિકા યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે તો ઘણું બધું બદલાઈ જશે.

આ હથિયારોનો ઉપયોગ સેટેલાઇટ વિના શક્ય નથી. યુક્રેન પાસે આવી ટેકનોલોજી નથી. આ માત્ર યુરોપિયન યુનિયન સેટેલાઇટ અથવા અમેરિકન સેટેલાઇટની મદદથી જ કરી શકાય છે.પુતિને એમ પણ કહ્યું હતું કે માત્ર નાટોના સૈન્ય કર્મચારીઓને જ આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવાની તાલીમ મળી છે.

યુક્રેનના સૈનિકો આ મિસાઈલ ચલાવી શકતા નથી.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ યુક્રેનને આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

આ મિસાઈલ સિસ્ટમ ૩૦૦ કિમી સુધી ચોક્કસ હુમલા કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને બ્રિટન યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યા હતા. તેના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી હતી કે આવા હથિયારોના ઉપયોગની મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી ગયું છે.

મોસ્કો ઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષો આ મુલાકાતની શક્યતાઓ શોધી રહ્યા છે, પરંતુ હજી સુધી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોમાં પુતિનને મળ્યા હતા ત્યારે તેમણે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે પુતિનની ભારત મુલાકાતની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. અત્યાર સુધી ભારતે પુતિનની મુલાકાત અંગેના મીડિયા અહેવાલો પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.