રશિયા સૈનિકોના દર્દ અને વેદનાની સાથે ઊભું છે : પુતિન

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનમાં લડી રહેલા સૈનિકોની માતાઓ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન તેમણે સૈનિકોની માતાઓને કહ્યું કે, આખું રશિયા તેમના દર્દ અને વેદના સાથે ઊભું છે. અમેરિકાના એક રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બંને દેશોના હજારો સૈનિકોના મોત થયા છે. હજારો રશિયન સૈનિકોને યુક્રેન મોકલવામાં આવ્યા છે.
ચા, કેક અને તાજા બેરીના બાઉલ સાથે ટેબલની આસપાસ યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયન સૈનિકોની માતાઓના જૂથ સાથે બેઠેલા પુતિને કહ્યું કે, રશિયાએ આ યુદ્ધમાં પોતાના પુત્રોને ગુમાવનાર તમામ માતાઓનું દર્દ શેર કર્યું છે. પુતિને આગળ કહ્યું, ‘હું સમજી શકું છું કે, એક માતા માટે પુત્ર કરતાં વધુ મહત્વનું કંઈ નથી. પુત્ર ગુમાવવો એ કોઈપણ માતા માટે સૌથી મોટું દુઃખ છે.
પુતિને વધુમાં કહ્યું છે કે, યુક્રેન વિરુદ્ધ રશિયાના ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ શરૂ કરવા અંગે તેમને કોઈ અફસોસ નથી. તે જ સમયે, યુક્રેનનું કહેવું છે કે, જ્યાં સુધી છેલ્લા રશિયન સૈનિકને તેના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી તે લડશે. ત્યારે નોંધપાત્ર વાત એ છે કે, ત્યાંની સરકારે યુદ્ધના કારણે યુક્રેનને થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. યુક્રેન તેના નુકસાનને જાહેર કરવા માંગતું નથી.
રશિયાએ છેલ્લે ૨૧ સપ્ટેમ્બરના રોજ જાહેરમાં તેની ખોટ જાહેર કરી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુએ જણાવ્યું હતું કે, ૫,૯૩૭ રશિયન સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ, આ સંખ્યા મોટા ભાગના આંતરરાષ્ટ્રીય અંદાજ કરતા ઘણી ઓછી છે.