Western Times News

Gujarati News

રશિયા-યુક્રેનની વાટાઘાટો નિષ્ફળ થતાં હવે યુદ્ધ વકરશે

ફાઈલ

યુક્રેને રશિયાના ૪૦ યુદ્ધ વિમાનો તબાહ કર્યા પછી નિયત સમયે તૂર્કીયેમાં બંને દેશ વચ્ચે મંત્રણા થઈ

(એજન્સી)ઈસ્તંબુલ, છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં શસ્ત્ર વિરામ લાવવાના હેતુથી તુર્કીયેના પાટનગર ઈસ્તંબુલ ખાતે બંને દેશના પ્રતિનિધિમંડળ વચ્ચે મંત્રણા યોજાઈ હતી. યુક્રેન દ્વારા આશ્ચર્યજનક હુમલામાં રશિયાના ૪૦ યુદ્ધ વિમાન તોડી પડાયા બાદ રશિયાએ પણ વળતા પ્રહારમાં યુક્રેન પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યાે હતો.

સામ-સામે હુમલા તીવ્ર બનવા છતાં નિયત સમયે મંત્રણા યોજાઈ હતી. જો કે આ મંત્રણા માત્ર એક કલાકમાં જ આટોપી લેવાઈ હતી. આ મંત્રણામાં સૈનિકોના મૃતદેહ અને યુદ્ધ કેદીઓ સોંપવા બાબતે સંમતિ સધાઈ હતી. જો કે આ સિવાયની બાબતો અંગે રશિયા અને યુક્રેન તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નથી,

જેને જોતાં બંને દેશે શબ્દોના બદલે શસ્ત્રોના માધ્યમથી એકબીજા સાથે સંવાદ કરવાનો મનસૂબો સેવ્યો હોવાના સંકેત મળ્યા છે. તુર્કીયેના જણાવ્યા મુજબ, વાટાઘાટો માટે યુક્રેન ઉત્સુક હતું, પરંતુ રશિયાને શસ્ત્ર વિરામ મંજૂર ન હોતો.

રશિયન સ્ટેટ મીડિયા અને યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, સોમવારે યોજાયેલી વાટાઘાટો એક કલાક જેટલી ચાલી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, બંને પક્ષે તુર્કીયેના માધ્યમથી દસ્તાવેજોની આપ-લે કરી હતી. આ સાથે યુદ્ધ કેદીઓની યાદી પણ બંને દેશ તૈયાર કરી રહ્યા છે.

મંત્રણા શરૂ થવાના બે દિવસ અગાઉ બંને દેશ વચ્ચે તણાવ વધતાં કોઈ મહત્ત્વની સમજૂતી થવાની શક્યતા નહીંવત હતી. યુક્રેને રવિવારે રશિયામાં આર્કટિક, સાઈબિરિયન અને ફાર ઈસ્ટ પ્રાંતોમાં આશ્ચર્યજનક ડ્રોન હુમલા કરી ૪૦થી વધુ યુદ્ધ વિમાનો તબાહ કર્યા હતા. રશિયામાં છેક ૭૦૦૦ કિમી અંદર ઘૂસીને યુક્રેને કરેલા આ હુમલામાં રશિયન લશ્કર ઊંઘતું ઝડપાયું હતું.

દોઢ વર્ષની તૈયારી બાદ રશિયાની લશ્કરી તાકાતને મોટી લપડાક મારવામાં સફળતા મળી હોવાનું યુક્રેન સંરક્ષણ દળના વડા વાસિલ માલિઉકે જણાવ્યુ હતું. ઝેલેન્સ્કીએ પોતાના સૈન્યને આ ઓપરેશન માટે બિરદાવી હતી. રશિયાના બોમ્બર વિમાનોના કાફલામાંથી ત્રીજા ભાગના વિમાનોને નષ્ટ કરનારા આ હુમલાને ઈતિહાસ યાદ રાખશે તેવો વિશ્વાસ પણ ઝેલેન્સ્કીએ વ્યક્ત કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.