Western Times News

Gujarati News

રશિયાના વિદેશમંત્રીએ યુક્રેન યુદ્ધનો મુદ્દો હાવી ન થવા દેવા બદલ ભારતની પ્રશંસા કરી

(એજન્સી)નવી દિલ્હી, ભારતની અધ્યક્ષતામાં સંપન્ન થયેલા જી૨૦ શિખર સંમેલનને રશિયા તરફથી સફળ ગણાવવામાં આવ્યું છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે જી૨૦ શિખર સંમેલનમાં યુક્રેન યુદ્ધ હાવી ન થવા દેવા બદલ ભારતની પ્રશંસા કરી છે.

મીડિયા સાથે વાતચીત કરતા લાવરોવે કહ્યું કે ભારતે જી૨૦ એજન્ડાનું યુક્રેનીકરણ થવા દીધુ નહીં. રશિયાએ નવી દિલ્હી ઘોષણાપત્રમાં પ્રયોગ કરાયેલા શબ્દો અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આવા ઘોષણાપત્રની તો આશા પણ નહતી રાખી.

રશિયાના વિદેશમંત્રીએ રવિવારે જી૨૦ના રાજનીતિકરણના પ્રયત્નોને રોકવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ શિખર સંમેલન ચોક્કસપણે સફળ રહ્યું છે. જી૨૦ નેતાઓના શિખર સંમેલનની જાહેરાતો પર સામાન્ય સહમતિ પર લાવરોવે કહ્યું કે જ્યારે તેઓ આ મુદ્દે સહમત થયા ત્યારે કદાચ આ તેમના અંતરાત્માનો અવાજ હતો. સ્પષ્ટ રીતે કહીએ તો અમને તેની આશા નહતી.

લાવરોવે કહ્યું કે અમે યુક્રેન અને રશિયાનો ઉલ્લેખ કરનારા નિવેદનોને ઘોષણાના બાકી કામથી અલગ ન કરી શકીએ. આ વર્ષે ઘોષણાની મુખ્ય લાઈન ગ્લોબલ સાઉથના એકીકરણ વિશે છે. લાવરોવે કહ્યું કે જી૨૦ પોતાના લક્ષ્યો માટે વાસ્તવમાં કામ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે દિલ્હી ડેક્લેરેશન સારા ઉદ્દેશ્યોમાંથી એક છે અને અમે પહેલેથી જ તે રસ્તે છીએ. અમારા વારામાં અમે આ સકારાત્મક પરિણામોને મજબૂત કરવાનું ચાલુ રાખીશું. જેમાં આગામી વર્ષે બ્રાઝિલની અધ્યક્ષતા અને ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતા સામેલ છે.

પશ્ચિમી દેશોની ટીકા કરતા રશિયાના વિદેશમંત્રીએ કહ્યું કે વેસ્ટ પોતાનું આધિપત્ય રાખી શકશે નહીં કારણ કે અમે દુનિયામાં સત્તાના નવા કેન્દ્ર જાેઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે પશ્ચિમે જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટે વિકાસશીલ દેશોને વાર્ષિક ૧૦૦ અબજ અમેરિકી ડોલર આપવાના પોતાના વચન પર કશું કર્યું નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.