SP યુનિ. ના ૧૬,૨૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત : રાજ્યપાલના હસ્તે ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/SPUNi1-1024x567.jpg)
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ
પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજનું નવનિર્માણ શક્ય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજ નવનિર્માણ શક્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિરાસત ભી વિકાસ ભી’’ અને ‘‘આધ્યાત્મિકતાથી આધુનિકતા’’ ના મંત્ર સાથે દેશને ૨૦૪૭ ના વર્ષ સુધીમાં ‘વિકસિત ભારત‘ બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપે.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના ૧૬,૨૧૮ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર પદવીધારકોને ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
રાજયપાલશ્રીએ પદવીધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, આપણી ઋષિ અને ગુરુકુળ પરંપરામાં માનવીય જીવન મૂલ્યો, સંસ્કાર, માનવતા અને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપવામાં આવતું હતું. એટલું જ નહિ આધ્યાત્મિક અને ભૌતિકવાદનું શિક્ષણ મેળવવા માટે વિદેશોમાંથી પણ લોકો ભારતમાં આવતા હતા અને ભારત વિશ્વગુરુના રૂપમાં પ્રસ્થાપિત થયું હતું.
રાજ્યપાલશ્રીએ આધુનિક યુગમાં માનવીને માનવતા, પરોપકાર, રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર, ધાર્મિક પરંપરા સાથે સત્ય, ઈમાનદારી, પ્રેમ, કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતરઆત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત કરી હતી. તેમણે આ તકે પદવીધારકોને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે સમાજ જીવનના નવા દરવાજા ખુલી રહ્યા છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તેની ચિંતા કરીને વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે.
મંત્રીશ્રીએ કહયું હતું કે, ૨૦ મી સદીની આપણી કલ્પનાઓ ૨૧ મી સદીમાં સાકાર થઈ રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ભારતની આ ૨૧ મી સદીની શરૂઆત ગુજરાતથી થઈ છે. ગુજરાતમાં ૨૦૦૧ ના વર્ષથી ૨૧ મી સદીનો પાયો પ્રશસ્ત કરવાનું કાર્ય તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
કર્યું છે.
તેમણે આ તકે વડાપ્રધાનશ્રીના ‘વિકસીત ભારત @ 2047′ ના સંકલ્પને સાકાર થતો જોવાનું સૌભાગ્ય વિદ્યાર્થીઓને પ્રાપ્ત થવાનું છે, તેમ જણાવી ઉપસ્થિત યુવાઓને તેમના જ્ઞાન – કૌશલ્ય દ્વારા રાજ્ય – રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ – રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૩,૯૦,૭૬૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે કુલ સચિવ ડો.ભાઈલાલભાઈ પટેલ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી સંજય પટેલ, ચારુતર વિદ્યા મંડળના પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીન, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.