S.S.C અને H.S.Cની પરીક્ષાને અનુલક્ષીને ઝેરોક્ષ-સ્કેનિંગની સુવિધા ધરાવતા કોમ્પ્યુટર સેન્ટર ખુલ્લા રાખવા પર પ્રતિબંધ
પાટણ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં તા.૦૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સવારે ૧૦થી સાંજના ૦૬.૩૦ વાગ્યા દરમ્યાન કમ્પ્યુટર સેન્ટર ખુલ્લા રાખી શકાશે નહીં
પરીક્ષામાં ગેરરીતી માટે મદદરૂપ થાય તેવું, પરીક્ષાલક્ષી સાહિત્ય તથા મોબાઈલ જેવા વિજાણું ઉપકરણો પરીક્ષાખંડ તથા કેન્દ્રમાંથી બહાર લાવવા-લઈ જવા પર પ્રતિબંધ
પરીક્ષાલક્ષી સાહિત્યની નકલો કાઢવાના અનધિકૃત કૃત્યને રોકવા તથા પરીક્ષામાં ગેરરીતી થતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
માહિતી બ્યુરો,પાટણ: પાટણ જિલ્લામાં આવેલા કેન્દ્રો પર લેવાનાર એચ.એસ.સી. તથા એસ.એસ.સી. ની પરીક્ષાનું શાંતી, સરળતા અને સ્વાભાવિક રીતે પાલન થાય અને પરીક્ષાલક્ષી સાહિત્યની નકલો કાઢવાના અનધિકૃત કૃત્યને રોકી પરીક્ષામાં ગેરરીતી થતી અટકાવવા પાટણ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સ્કેનીંગ-ઝેરોક્ષની સુવિધા ધરાવતા કોમ્પ્યુટર સેન્ટરો ખુલ્લા રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ તા.૦૫/૦૩/૨૦૨૦ થી તા.૨૧/૦૩/૨૦૨૦ સુધીના રોજ યોજાનાર એસ.એસ.સી. તથા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની એચ.એસ.સી.ની પરીક્ષા માટે પાટણ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રોવાળા ગામ અને શહેર વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ દુકાનો, સ્કેનીંગની સુવિધા ધરાવતા કોમ્પ્યુટર સેન્ટરો ઉપર સવારે ૧૦.૦૦થી સાંજના ૦૬.૩૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે સાથે પરીક્ષામાં ગેરરીતી માટે મદદરૂપ થાય તેવું તેમજ પરીક્ષાલક્ષી સાહિત્ય તથા મોબાઈલ જેવા વિજાણું ઉપકરણો પરીક્ષાખંડમાં તેમજ કેન્દ્રમાંથી બહાર લઈ જવા તેમજ બહારથી પરીક્ષા કેન્દ્ર કે ખંડમાં લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઝેરોક્ષની દુકાન તથા સ્કેનીંગની સુવિધા ધરાવતા હોય તેવા કોમ્પ્યુટર સેન્ટર ઉપર પરીક્ષાલક્ષી સાહિત્યની નકલ થવાથી અને તે સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં મોકલવાની પ્રવૃતિથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અંગે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થતો હોઇ પરીક્ષા દરમ્યાન ઝેરોક્ષ દુકાનો તથા સ્કેનીંગની સુવિધા ધરાવતા તમામ કોમ્પ્યુટર સેન્ટર ઉપર થતી પરીક્ષાલક્ષી સાહિત્યની નકલો કાઢવાની અનધિકૃત કૃત્ય અટકાવવા પરીક્ષામાં ઉપયોગમાં લેવાનાર તમામ મકાનો તથા તેના કંપાઉન્ડની આજુબાજુના ર૦૦(બસો) મીટરના વિસ્તારમાં (ત્રિજયામાં) આવેલ તમામ ઝેરોક્ષ દુકાનો તથા સ્કેનીંગની સુવિધા ધરાવતા તમામ કોમ્પ્યુટર સેન્ટરોમાં સદર પરીક્ષામાં મદદરૂપ થાય તેવું કોઇ પણ સાહિત્યની ઝેરોક્ષ નકલ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સદરહું હુકમના કોઇપણ ખંડનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર શખ્સ સામે લેખિત ફરીયાદ નોંધાવવા પાટણ જિલ્લામાં ફરજ બજાવતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામામાં દર્શાવેલા કોઇપણ ખંડનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.