સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ત્રણ સપ્તાહમાં કરવા હાઈકોર્ટનો આદેશ
હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની આજીવિકા સમાન સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી ચેરમેનની ચૂંટણીનુ કોકડુ ગુંચવાયેલું હતું. જે સંદર્ભે અરવલ્લીમાં એક ડિરેકટરે જલ્દી ચૂંટણી યોજવા માટે હાઈકોર્ટમાં દાદ માંગી હતી જેની અંતિમ સુનાવણી તા.૧સપ્ટેમ્બરને સોમવારે થઈ જતા ન્યાયાધીશે સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ત્રણ સપ્તાહમાં યોજવા માટે આદેશ કર્યો છે.
આ અંગે આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી લોકસભાની ચૂંટણી અગાઉ કરાઈ હતી. પરંતુ ગમે તે કારણોસર ચેરમેનની ચૂંટણી થઈ ન હતી. તેમ છતાં નિયામક મંડળે ખેડૂતોને ભાવફેરની રકમ ચૂકવવા માટે ખાસ સાધારણ સભા બોલાવી હતી.
ત્યારબાદ બન્ને જિલ્લાના ખેડૂતોને ભાવફેરની રકમ ચૂકવી દેવામાં આવી હતી. પરંતુ નિયમ મુજબ ચેરમેનની ચૂંટણી ન થવાને કારણે રેગ્યુલર સામાન્ય સભા યોજવા માટે કેટલાક કાયદાકીય નિયમો નડતા હતા. જેથી અરવલ્લી જિલ્લાના એક ડિરેકટરે થોડાક સમય અગાઉ ચેરમેનની ચૂંટણી સત્વરે યોજવા માટે હાઈકોર્ટમાં રીટ કરી હતી.
જેની અંતિમ સુનાવણી સોમવારે ન્યાયાધીશ વૈભવીબેન નાણાંવટી સમક્ષ થતાં ન્યાયાધીશે સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ત્રણ સપ્તાહમાં યોજવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને આદેશ કર્યો હતો. જેથી આગામી દિવસોમાં ચેરમેનની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ થશે. જોકે ત્રણ સપ્તાહમાં ચૂંટણી યોજવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશે કરેલા હુકમ બાદ બન્ને જિલ્લાના સહકારી રાજકારણમાં દાવેદારોએ ચેરમેન પદ મેળવવા માટે લાગતાવળગતાઓ સાથે સંપર્કો શરૂ કરી દીધા છે.