નંબર પ્લેટ વગરની ગાડીમાં બેઠેલા નાગાબાવાએ રસ્તો પૂછવાના બહાને લૂંટ ચલાવી
સાધુના વેશમાં આવેલા લૂંટારાએ એક દંપત્તિ અને મહિલા પાસેથી રૂ. ૭૦ હજારના દાગીનાની લૂંટ ચલાવી-સાધુએ મોબાઇલમાં ફુક મારી કહ્યું તમારી પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપી દો
(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના કનીજ ગામની સીમમાં રોડ પર ઉભેલ અમદાવાદના એક દંપત્તિને નંબર પ્લેટ વગરની ગાડીમાં બેઠેલા નાગાબાવાએ સિદ્ધી વિનાયક મંદિર તરફ જવાનો રસ્તો પૂછવાના બહાને કુલ રૂ. ૫૦,૦૦૦ દાગીના તથા સોજાલી પાટીયા નજીક ખાત્રજ ચોકડી નજીક રોડ ઉપર ઉભેલ એક મહિલાના રૂ. ૧૦૫૦ રોકડા બે કાનની બુટ્ટી, બે સોનાની હેરો મળી કુલ રૂ. ૨૦,૦૦૦ના દાગીના લઇ નાગો બાવો ફરાર થઇ ગયો હતો. આ સંદર્ભે મહેમદાવાદ પોલીસે નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલ સાધુ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ જશોદાનગર ઓએનજીસી સોસાયટીમાં લાલુભા અમરસિંહ ગઢવી રહે છે. તેઓની પત્નીને ડાયાબીટીશ હોય નેનપુર ગામમાં આવેલ નૌત્તમ કલીનીકની દવા ચાલુ છે. મંગળવારે લાલુભા તથા તેમના પત્ની નયનાબેન એકટીવા સ્કુટર પર નેનપુર દવા લેવા આવ્યા હતા. દરમ્યાન ૧૧ વાગે કનીજ પાટીયા નજીક રોડની સાઇડમાં સ્કુટર પાર્ક કરી ચા પીતા હતા.
તે સમયે એક સફેદ નંબર પ્લેટ વગરની ગાડી સ્કુટર નજીક આવીને ઉભી રહી હતી ખાલી સાઇડમાં બેઠેલ માણસે દરવાજાનો કાચ ખોલેલો નગ્ન સાધુ બેઠેલ હતો. ભરાવદાર અને આશરે ૪૫ વર્ષના નગ્ન સાધુએ સિદ્ધી વિનાયક જવાનું પૂછી લાલુભાને કહેલ કે આવો આર્શીવાદ આપુ તેમ કહી રૂ. ૧ હજાર આપતા લાભુભા એ ખિસ્સામાં મુક્યા હતા અને મોબાઇલ માંગતા તે પણ આપ્યો હતો
અને સાધુએ મોબાઇલમાં ફુક મારી પરત આપેલ પછી તમારી જોડે રૂપિયા હોય તો આપો તેમ કહેતા લાલુભા એ રૂ. બે હજાર આપ્યા હતા. ત્યારબાદ લાલુભાના પત્નીને આંગળીએ પહેરેલી વીંટી માંગતા સાધુને આપી હતી ત્યારબાદ સોની બે બંગડી કિ. રૂ. ૪૦,૦૦૦ ની આપી હતી સદનસીબે સોનાની બુટ્ટી ખુલી ન હતી જેથી આપી ન હતી દરમ્યાન આ સાધુ સોનાના દાગીના કિ.રૂ. ૫૦,૦૦૦ ના લઇ ફરાર થઇ ગયો હતો.
તો વળી આ સાધુએ અમદાવાદ ખોખરા ખાતે રહેતા નવીનભાઇ ગજ્જર તથા તેમના પત્ની સુરેખાબેનને વિશ્વાસમાં લઇ સોજાલી પાટીયા પાસે તેઓની પાસેથી રૂ. ૧૦૫૦ તથા સોનાની બુટ્ટી અને હેરો કિ.રૂ. ૨૦,૦૦૦નું લઇ ફરાર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે લાલુભા ગઢવીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.