Western Times News

Gujarati News

સલામતીના કાયદા માત્ર કાગળ પર ૨ વર્ષમાં ૨૨૭ બાંધકામ શ્રમિકોનાં મૃત્યુ

પ્રતિકાત્મક

અમદાવાદ, કડી તાલુકાના જાસલપુર ગામમાં બાંધકામ દરમિયાન મૃત્યુ પામેલા ૯ શ્રમિકોના મૃત્યુ બાદ કામના સ્થળે બાંધકામ કામદારોની સલામતી મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અને દુર્ઘટના માટે જવાબદાર માલિક અને બેજવાબદારી માટે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાની બાંધકામ મજદૂર સંગઠનોના અગ્રણીઓએ માગણી કરી છે.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૨૨૭ બાંધકામ શ્રમિકોના મૃત્યુ થયા છે ત્યારે સરકારી વિભાગ આ મામલે સાઇટ ઉપર સુરક્ષાને લગતું ચેકિંગ વધારે તેવી માગ પણ કરાઇ છે. બાંધકામ શ્રમિક સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં તાજેતરમાં બાંધકામ સાઇટ ઉપર બેદરકારીથી શ્રમિકો ઉપર જોખમ વધી રહ્યું હોવાનું જણાવાયું હતું.

બે વર્ષ પૂર્વે અમદાવાદમાં ગુલબાઇ ટેકરામાં બાંધકામ સાઇટ ઉપર અકસ્માતમાં ૭ના મૃત્યુ પછી જાસલપુરમાં ૯ કામદારોના મૃત્યુ થયા છે. ૨૦૨૨માં ગુજરાતમાં ૧૧૯ અને અમદાવાદમાં ૫૫ તેમજ ૨૦૨૩માં ગુજરાતમાં ૧૦૮ અને અમદાવાદમાં ૩૦ કામદારો અકસ્માતે મૃત્યુ પામ્યાની અધિકૃત માહિતી છે. સૌથી વધુ મૃત્યુ ચાલુ કામ દરમિયાન ઉપરથી નીચે પડવાથી અને ભેખડ ધસી પડવાના કારણે થઇ રહ્યા છે.

૨૦૦૮થી ૨૦૨૩ સુધીમાં ગુજરાતમાં ૧૫૦૦થી વધુ શ્રમિકોએ જીવ ગૂમાવ્યા હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. રાજ્યમાં સ્થળાંતરિત આદિવાસી બાંધકામ કામદારો અસલામત સ્થિતિ વચ્ચે કામ કરી રહ્યા હોવાનું કહેતા સમિતિના સંયોજક વિપુલ પંડ્યાએ જણાવ્યું હતું કે પરિવાર માટે વળતરની જાહેરાત થાય અને ફોજદારી કેસ દાખલ કરાય પછી બધુ ભૂલી જવાતું હોય છે.

જીડીસીઆર-૨૦૨૧ મુજબ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જ્યારે બાંધકામની રજા ચિઠ્ઠી આપે ત્યારે સાવચેતી રાખવાની લેખિત બાંહેધરી બિલ્ડર કે ઓનર-ડેવલપર્સ પાસેથી મેળવતા હોય છે.

કામદારોની સુરક્ષા સહિતની બાબતોના પાલન માટે સિવિલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવેલા ૧૪ નિરીક્ષકની નિમણૂક કરાઇ છે તેમ છતાં અકસ્માતો અટકતા નથી હોવાનું કહેતા કાયદા કાગળ ઉપર જ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. બાંધકામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જોખમી સાબિત થતો હોવાનું પણ તેમણે કહ્યું હતું. કામદાર બોર્ડમાં નોંધાયેલા ન હોય તો પણ તેને વળતર ચૂકવાય તેવી માગણી પણ તેમણે કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.