બાપુનગરની હોસ્પિટલમાંથી નવજાતને ફેંકી દેનારી સગીરા પકડાઈ
(એજન્સી)અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત કાકડિયા હોસ્પિટલમાં છ ઓગસ્ટના રોજ એસીના કોમ્પ્રેસર પરથી ત્યજી દેવામાં આવેલા નવજાત બાળક અંગે મોટો ખુલાસો થયો છે. આ બાળકને તેની સગીર વયની માતાએ જ ફેંકી દીધું હતું, જે દુષ્કર્મનું પરિણામ હતું.
રવિવારના રોજ બાળક મળી આવતાં સૌથી પહેલા તો તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત થયું હતું. શહેરકોટડા પોલીસે આ અંગે ફરિયાદ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્થાનિક વિસ્તારની સગીરાએ જ હોસ્પિટલના વોશરૂમમાં બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું.
પોલીસે તરત જ સગીરાને શોધી કાઢી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં તેના દાદીનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સમયે તે તેમની સાથે રહી હતી અને ત્યાં હાઉસ કિપિંગનું કામ કરતાં શખ્સ સાથે તેની મિત્રતા થઈ હતી.
બંને પ્રેમમાં તમામ હદ વટાવી ગયા હતા અને શારીરિક સંબંધના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. સગીરાએ ગર્ભાવસ્થાની વાત પરિવારથી છુપાવી હતી અને જ્યારે પણ કોઈ તેને ફુલેલા પેટ વિશે પૂછતું તો તે ગેસ થયો હોવાનું કહી વાત ઉડાવી દેતી હતી. પરંતુ નવ મહિના પૂરા થતાં તેને પ્રસવ પીડા ઉપડી હતી, જેના લીધે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
ત્યાં પણ ડોક્ટરને તેણે ગેસ થયો હોવાનું કહ્યું હતું. ડોક્ટરે તેને ઈન્જેક્શન આપ્યું હતું અને તે વોશરૂમમાં ગઈ હતી જ્યાં બાળક જન્મ્યું હતું. પરિવાર અને સમાજ નહીં સ્વીકારે તેવા ભયથી તેણે બાળકને બારીની બહાર ફેંકી દીધું હતું અને ઘરે જતી રહી હતી. સગીરાને જે શખ્સ સાથે પ્રેમ થયો હતો
તેનું નામ મહેશ ઠાકોર હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. જે બાદ તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને તરત જ તેને પકડી પાડ્યો હતો. સગીરા નરોડામાં માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. નવેમ્બર ૨૦૨૨માં સોલા સિવિલ હોસ્પિટલમાં તેના દાદીનું આંખનું ઓપરેશન થયું હતું.
આ માટે ત્રણ દિવસ બંને હોસ્પિટલમાં રોકાયા હતા. આ દરમિયાન તે મહેશ ઠાકોરના સંપર્કમાં આવી હતી. સગીરા અને મહેશ ઠાકોર વચ્ચે મિત્રતા થતાં વાર લાગી નહોતી. બંને પ્રેમમાં પણ પડ્યા હતા. એક દિવસ રાતે જ્યારે સગીરા જનરલ વોર્ડમાં સૂતી હતી ત્યારે મહેશ તેની પાસે આવ્યો હતો અને કંઈક કામ હોવાનું કહી બહાર લઈ ગયો હતો.