‘ટેક્નોલૉજી ફોર ટ્રાન્સપરન્સી એન્ડ ટ્રાન્સ્ફોર્મેટિવ ગ્રોથ’ વિષય પર આયોજિત ‘સહકાર સેતુ-2024’ સમિટનો શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરૂવારે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ બેંકિગ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશન દ્વારા ‘ટેક્નોલૉજી ફોર ટ્રાન્સપરન્સી એન્ડ ટ્રાન્સ્ફોર્મેટિવ ગ્રોથ’ વિષય પર આયોજિત ‘સહકાર સેતુ-2024’ સમિટનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટિવ બેંક સહિતના અન્ય સહકારી ક્ષેત્રોમાં ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર સાકાર થયો છે. તેમણે આ આયોજનને અર્બન સહકારી બેંકોના વિકાસને નવી ગતિ આપનારું ગણાવતા ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા સહકારી બેંકોની કાર્યપ્રણાલી તેમજ સેવાઓને
અદ્યતન અને સરળ બનાવતી વિવિધ પહેલની રૂપરેખા આપી હતી. ટેક્નોલોજીના સથવારે વિકાસની સાથે સંચાલનમાં પારદર્શિતાના આ સુવર્ણ કાળમાં મુખ્યમંત્રીશ્રીએ ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના નિર્માણમાં અર્બન કો-ઓપરેટીવ બેંકિંગ સેક્ટર મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.