સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના તાલીમાર્થીઓની શિબિર યોજાઈ
આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરી જીવનધ્યેય ને નિષ્ઠાપૂર્વકનું જીવન માટેની તાલીમ
મહેસાણા, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના પ્રેરક સહકારથી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગુજરાત પ્રાંતના કર્ણાવતી વિભાગ દ્વારા યુવા પ્રેરણા શિબિર તારીખ ૧૯ થી ૨૨ ઓક્ટોબર દરમ્યાન આયોજિત કરવામાં આવેલ હતી.
આયોજિત શિબિરના પ્રમુખ તરીકે શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબે પોતાની સેવા અને માર્ગદર્શન આપ્યુ હતું. સમગ્ર ગુજરાતના ૧૧ સ્થળો માંથી કુલ ૩૮ બહેનો અને ૬૮ ભાઈઓ તથા આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે શિબિરાર્થીઓ ને યોગાસન, કર્મયોગ, ગીતા અધ્યયન, ધ્યેય નિષ્ઠા, સંગઠન અને રાષ્ટ્રભક્તિ ના
અનેક મુદ્દાઓ ઉપર ચિંતન મનન કર્યું હતું અને શિબિરાર્થી યુવાનોને આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરી જીવનધ્યેય ને નિષ્ઠાપૂર્વક કેવી રીતે જીવી શકાય અને સમાજ માટે શું કરી શકાય તેની સંપૂર્ણ તાલીમ આ ત્રણ દિવસની શિબિરમાં આપવામાં આવી હતી.
તાલીમાર્થીઓને સવારે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સૂર્ય નમસ્કાર બૌદ્ધિક અને શારીરિક રમતો ચર્ચા સત્ર સર્જનાત્મક પ્રવૃત્તિઓ શ્રમ સંસ્કાર અને સામૂહિક જીવનનો અનુભવ કરવાનો પૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલ હતો.
આયોજિત શિબિરમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ના ઉચ્ચ પદાધિકારીઓ અને વિવિધ વિષયના તજજ્ઞોએ પોતાનું જ્ઞાનરૂપ યોગદાન આપી તાલીમાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. શિબિર ના સફળ આયોજન બદલ વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગુજરાત પ્રાંત દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ તથા સમગ્ર ટ્રસ્ટીમંડળ નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.