પરીણિત પુરુષ સાથે લગ્ન કરી મુસીબતમાં મુકાયેલી ૧૮ વર્ષની યુવતીની વહારે આવ્યું સખી વન સ્ટોપ સેન્ટર

પરીણિત પુરુષે પીડિતાને પોતાના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ કરવાની અને પિયર જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધની શરત રાખી
સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સેલિંગ બાદ પીડિતાને પોતાની ભૂલ સમજાઈ –વધુ અભ્યાસ કરવાના સ્વપ્ન સાથે પીડિતા પોતાની માતા અને ભાઈ સાથે રાજીખુશી પોતાના ઘરે પરત ફરી
Ahmedabad, 18 વર્ષની માયા (નામ બદલેલ છે) 15મી મેના રોજ અમદાવાદના સોલા ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર પર આવી હતી. રહેવા માટે આશરો શોધતી અને ચિંતામાં લાગતી આ પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માયાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે તેના સમાજ વિરુદ્ધ જઈને કોર્ટ મેરેજ કર્યા હતા. તેના લગ્નને એક મહિના જેટલો સમય થયો હતો. માયા સાથે તેના પતિના આ બીજા લગ્ન હતા. માયાને તેના માતાપિતા પાસે નહોતું જવું અને તે તેના માતાપિતાને ફોન કે અન્ય જાણકારી આપવાની પણ ના પાડી રહી હતી.
માયાને પતિ પાસે મોકલી શકાય તે માટે સખી વન સ્ટોપ સેન્ટરમાંથી તેના પતિનો સંપર્ક કરાયો, પરંતુ તેના પતિનો સંપર્ક થઈ શક્યો ન હતો. બે દિવસના સમય પછી તેના પતિનો સંપર્ક થતા તેના પતિને સખીવન સ્ટોપ સેન્ટરમાં બોલાવવામાં આવ્યો હતો.
માયાના પતિનું પણ સખી વન્સ ટોપ સેન્ટર ખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કે, તેની પ્રથમ પત્ની તેની સાથે જ રહે છે અને તેની બીજી પત્ની માયાને સાસરી પક્ષમાંથી કોઈ સ્વીકારવા તૈયાર નથી, અને તેને કોઈ સહકાર પણ આપતું નથી. માયાના પતિની પ્રથમ પત્નીને ઘરના બધા જ સભ્યો તરફથી સહકાર મળે છે.
વધુમાં, માયાના પતિએ માયા સમક્ષ શરત મૂકી હતી કે, માયાને જો સાસરીમાં આવવું હોય તો તેણે પોતાના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે. માતા-પિતાના ઘરે જવા ઉપર પણ તેણે માયા ઉપર સંપૂર્ણ પ્રતિબંધની શરત રાખી હતી. પોતાના અવસાન બાદ પણ માયાએ પોતાના માતા-પિતાના ઘરે જવું નહીં તેવી શરતો તેણે માયા સમક્ષ મૂકી હતી.
સોલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માયાનું સતત કાઉન્સેલિંગ કર્યા બાદ તેને સમજાવવામાં આવી હતી. માયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. પીડિતા માયાએ સામેથી પોતાની માતા સાથે વાત કરવાની ઇચ્છા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ સમક્ષ વ્યક્ત કરી હતી. માયાના માતા પાટણ રહેતા હોવાથી તેણે પોતાની માતાને પાટણથી અમદાવાદ આવવા કહ્યું હતું.
માયાના માતા અને ભાઈ માયાને સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મળવા આવ્યા હતા. પોતાની દીકરીને સુરક્ષિત જગ્યાએ જોઈને તેના માતા ખૂબ જ રાજી થયા હતા. માતા અને ભાઈ બંનેએ માયાને વધારે અભ્યાસ કરવા માટેનો સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. સોલા સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલી માયા તેના માતા અને ભાઈ સાથે રાજીખુશીથી પોતાના ઘરે પરત ફરી હતી. સોલા સખી વન સ્ટોપ સેન્ટરે માયાને પોતાના પરિવાર જોડે પુનઃસ્થાપન કરવામાં મદદ કરી હતી.
ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ પુરસ્કૃત અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરમાં માયા જેવી અનેક મહિલાઓ આશ્રય અને માર્ગદર્શન મેળવે છે, અને પોતાના જીવનની તકલીફોમાંથી નીકળવાની રાહ શોધે છે.