ઘરથી વિખૂટા પડેલાં મૂક મહિલાને પરિવાર સાથે મેળવી આપતું સખી વન સ્ટોપ સેન્ટર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/child-1024x878.jpg)
181 મહિલા હેલ્પલાઈનની મદદથી મૂક મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, સોલા ખાતે પહોંચાડાયાં
મહિલાઓની સમસ્યાઓનું સમાધાન અને તેમનું આશ્રય સ્થાન એટલે સખી વન સ્ટોપ સેન્ટર
અમદાવાદના સોલા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પીડિતા સવિતાબહેન (નામ બદલેલ છે) 181 મહિલા હેલ્પલાઈનની મદદથી પહોંચ્યાં હતાં. સખી વન સ્ટોપ સેન્ટર, સોલા ખાતે આશ્રય માટે આવેલ આ પીડિતા સવિતાબહેન બોલી શકતાં નહોતાં. તેઓ માત્ર ઈશારા થકી જ વાતચીત કરી શકતાં હતાં.
સવિતાબહેનના સામાનની તપાસ કરતાં તેમનું આધાર કાર્ડ અને આઈકાર્ડ મળી આવ્યાં હતાં. તેમાંથી તેમનું નામ અને સરનામું જાણવા મળ્યું હતું. સવિતાબહેન પાસે રહેલ આઈકાર્ડમાં એક સંપર્ક નંબર હતો. તે નંબર ઉપર સંપર્ક કરી સવિતાબહેનના પરિવારના સભ્યને સોલા સખી વન સ્ટોપ સેન્ટરમાં બોલાવવામાં આવ્યા હતા.
પીડિતા સવિતાબહેનનું તેમના દીકરાની હાજરીમાં કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ છેલ્લા પંદર દિવસથી ગુમ થયેલાં હતાં અને તેમનું ભટકતું જીવન વિતાવી રહ્યાં હતાં. આમ, પંદર દિવસથી ઘરથી વિખૂટાં પડી ગયેલાં સવિતાબહેન તેમના પરિવારને ફરી મળી શક્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની અનેક સમસ્યાઓમાં આશાનું કિરણ છે.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત સરકારની દેખરેખ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન અને તેમના આશ્રય માટેનું સ્થળ છે.