કેન્દ્ર સરકારના કર્મચારીઓના હોળી પહેલાં જ પગારમાં થઈ શકે છે વધારો

૧૨ માર્ચે કેન્દ્ર સરકાર મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર આવી શકે છે. ૧૨ માર્ચ, બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.
સરકારના આ નિર્ણયથી ૧.૨ કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થઈ શકે છે. ૧૨ માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત થઈ શકે છે. સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો આ વધારો એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજથી લાગુ થાય છે.
મીડિયા સુત્રો અનુસાર, સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરી શકે છે. મોંઘવારી દર અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થુ બે ટકા વધવાની શક્્યતા છે. જેનાથી મોંઘવારી ભથ્થુ ૫૩ ટકાથી વધી ૫૫ ટકા થશે. જો કે, તેના પર અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે.
ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધાર્યુ હતું. જે ૧ જુલાઈ, ૨૦૨૪થી લાગુ થયુ હતું. આ વધારા બાદ મોંઘવારી ભથ્થુ ૫૦ ટકાથી વધી ૫૩ ટકા થયુ છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થાય તો રૂ. ૧૮૦૦૦ના બેઝિક પગારમાં માસિક રૂ. ૩૬૦નો વધારો થશે. હાલ મોંઘવારી ભથ્થામાં રૂ. ૯૫૪૦ મળી રહ્યા છે, જે ૨ ટકાના વધારા સાથે રૂ. ૯૯૦૦ થશે. મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધ્યું તો રૂ. ૫૪૦ વધી કુલ મોંઘવારી ભથ્થું ૧૦૦૮૦ થશે.
જાન્યુઆરી, ૨૦૨૫માં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી. જે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર કરશે. સાતમા પગાર પંચનો પીરિયડ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પૂર્ણ થશે. આઠમું પગાર પંચ ૨૦૨૬થી લાગુ થશે. જો કે, હાલ તેની શરતો અને તેમાં સામેલ સુધારાઓ અંગે માહિતી આપવામાં આવી નથી.