રજિસ્ટ્રેશન ઓફિસે સેલ ડીડની અરજીઓનો ભરાવો
અમદાવાદ, અમદાવાદમાં તમે ૧૯૮૨થી ૨૦૦૧ વચ્ચે રચાયેલી જૂની કો-ઓપરેટિવ સોસાયટીમાં દિવાળી અગાઉ પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હોવ તો વેચાણ કરાર (સેલ ડીડ) રજિસ્ટર કરવામાં તમને ભારે અડચણ નડી શકે છે. જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસે સેલ ડીડ કરાવવા માટે ભારે ભીડ દેખાય છે
અને સેલ ડીડ કરવા માટે ૧૫ દિવસથી લઈને દોઢ મહિના સુધીનો વેઈટિંગ પિરિયડ ચાલે છે. તાજેતરમાં સરકારે કરેલી એક સ્પષ્ટતાના કારણે આ બેકલોક સર્જાયો છે.
કોઈ પ્રોપર્ટી જૂની કોઓપરેટિવ સોસાયટીની હોય તો તેની સ્ટેમ્પ ડ્યૂટી અંગે સરકારે ત્રણ મહિના અગાઉ પ્રોસિઝરની સ્પષ્ટતા કરી હતી. સરકારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે પ્રોપર્ટીના નવા માલિકે સૌથી પહેલા શેર સર્ટિફિકેટ અને કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ ઈશ્યૂ કરેલા એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે.
શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટરનું સંપૂર્ણ મૂલ્યાંકન થાય ત્યાર પછી જ આ કામગીરી થઈ શકશે. તેના કારણે ઓલ્ડ હાઉસિંગ સોસાયટીઓને લગતા સેલ ડીડ અરજીઓનો ભરાવો થયો છે. સૂત્રોએ જણાવ્યું કે આજથી દોઢ વર્ષ અગાઉ રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યું હતું.
તેમાં ડિસ્ટ્રીક્ટ ઓફિસને સૂચના આપી હતી કે શેર સર્ટિફિકેટ તથા ઓલ્ડ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને ઓનર્સ એસોસિયેશનના એલોટમેન્ટ લેટર્સ પર સ્ટેમ્પ ડ્યૂટી વસુલવામાં આવે. પરંતુ શેર સર્ટિફિકેટ પર સ્ટેમ્પ ડ્યૂટી વસુલવાની પ્રક્રિયા સ્પષ્ટ ન હતી. જુદી જુદી જિલ્લા કચેરીઓ પોતાની રીતે પ્રક્રિયા બનાવતી હતી.
આ મુદ્દો જુલાઈ ૨૦૨૧માં પેદા થયો જ્યારે મહેસાણા જિલ્લાની સ્ટેમ્પ ડ્યૂટી એસેસમેન્ટ ઓફિસે હાઉસિંગ સોસાયટીના શેર સર્ટિફિકેટના રજિસ્ટ્રેશન પર સ્ટેમ્પ ડ્યૂટી વસુલવી જાેઈએ કે નહીં તે વિશે માર્ગદર્શન માંગ્યું હતું. ટાઈટલ ક્લિયર એસોસિયેશનના પ્રેસિડન્ટ પ્રકાશ શાહે જણાવ્યું કે જૂની કો-ઓપરેટિવ હાઇસિંગ સોસાયટીના માલિકોએ કલેક્ટર પાસે અરજી કરવાની હોય છે જેમાં ક્લિયરન્સમાં એક મહિનાનો સમય લાગી શકે છે.