Western Times News

Gujarati News

સલમાન ખાન અને આમિર ખાન ૩૦ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે

મુંબઈ, બોલિવૂડ સ્ટાર્સ આમિર ખાન અને સલમાન ખાને ‘અંદાઝ અપના અપના’માં ઓડિયન્સને પેટ પકડીને હસાવ્યું હતું. ૧૯૯૪ પછી પછી આ બંને સુપર સ્ટાર્સ ક્યારેય એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી. પરંતુ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા તાજેતરમાં એક્સ પર કરવામાં આવેલી પોસ્ટથી ઉત્સુકતા છવાઈ છે. કેટલાક આ સાથે બંને સ્ટાર્સ ૩૦ વર્ષે ફરી સાથે કામ કરે તેવી અટકળો પણ શરૂ થઈ છે.

આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા સલમાન ખાનની એક દાયકા જૂની પોસ્ટ શોધી કાઢવામાં આવી હતી. તેની આ ૨૦૧૦ની પોસ્ટમાં સલમાને લખ્યું હતું, “એ ફિલ્મ પછી મેં આમિરને મને અડવા દીધો નથી. એ મને સોનુ બનાવી દેત તો?” સલમાનના આ નિવેદનને ટાંકીને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા લખવામાં આવ્યું, “અમે આ અંગે ઘણું વિચાર્યું.”

પ્રોડક્શન હાઉસની આ પોસ્ટથી દર્શકો અનેક ધારણાઓ અને આશાઓમાં ખોવાઈ ગયા છે. તેઓ આ પોસ્ટથી આમિર અને સલમાન વચ્ચેના કોલબરેશનની આશાઓ રાખે છે.

એક યુઝરે લખ્યું,“નવી ફિલ્મનું નવું ટીઝર?” તો બીજા એક યૂઝરે લખ્યું,“તો તમે બંને કોઈ કામમાં એક સાથે આવી રહ્યા છો અને તમે તેનું માર્કેટિંગ કરવામાં બહુ સારા છો.” તો કોઈએ લખ્યું,“દો દોસ્ત ફિર સે એક કપ મેં ચાય પિયેંગે ક્યા?” તો કોઈએ તો એમની બંનેની સાથે શાહરુખ પણ જોડાય તેવી શુભેચ્છા આપી હતી.

એક તરફ સલમાન ખાન તેની ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે, જ્યારે આમિરે તો તાજેતરમાં એક કાર્યક્રમમાં પોતાના નિવૃત્તિના પ્લાન વિશે વાત કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં ‘લાપતા લેડીઝ’ના સ્ક્રિનિંગ વખતે આમિરે કહ્યું,“હું સર(ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા)ને કહેતો હતો, કે કોવિડ દરમિયાન, જ્યારે હું ૫૬ વર્ષનો હતો, મને લાગેલું કે આ મારી કૅરિઅરનો આખરી પડાવ છે, હું બસ હજુ ૧૫ વર્ષ સુધી કામ કરીશ.

૭૦નો થઈશ ત્યાં સુધી સક્રિયપણે કામ કરી શકીશ પછીનું કોણ જાણે છે. હું જે પણ શીખ્યો છું, તે હું પાછું આપવા માગું છું કારણ કે ઇન્ડસ્ટ્રી, સમાજ અને દેશે મને ઘણું આપ્યું છે. મને લાગેલું હું એક વર્ષની એક ફિલ્મ કરીશ, પરંતુ જો હું પ્રોડ્યુસ કરીશ તો હું એકથી વધારે સારી વાર્તાઓને ટેકો આપી શકીશ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.