સલમાન ખાનની ફિલ્મ સિકંદર ઈદ ૨૦૨૫ પર રિલીઝ કરાશે

પાંચ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘મિસીસ સિરિયલ કિલર’ અને ‘સિકંદર’ના પોસ્ટરમાં સમાનતા દેખાઈ
‘સિકંદર’માં સલમાન ખાને જેકલીનની નકલ કરી?
મુંબઈ,સલમાન ખાનની બિગ બજેટ ફિલ્મ ‘સિકંદર’ આ વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહી છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. મંગળવારે સાજિદના જન્મદિન નિમિત્તે સલમાન ખાનની આ ફિલ્મનું પોસ્ટર શેર થયું હતું. આ પોસ્ટરને જોઈ ઘણાં બધાને સલમાને નકલ કરી હોવાનું લાગ્યું છે. સલમાનની ક્લોઝ ફ્રેન્ડ જેકલીનની ૨૦૨૦માં રિલીઝ થયેલી ‘મિસીસ સિરિયલ કિલર’ના પોસ્ટરની સીધી ઊઠાંતરી થઈ હોય તેવું નેટિઝન્સને લાગી રહ્યું છે.
પાંચ વર્ષ જૂની જેકલીની ફિલ્મ અને સલમાનની આગમી ફિલ્મ વચ્ચે ઊડીને આંખે વળગે તેવી સમાનતાએ ફિલ્મ રસિકોમાં હલચલ ઊભી કરી છે. બોલિવૂડના ક્રિટિક્સ માટે ‘સિકંદર’નું પોસ્ટર નવી તક લઈને આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ બોલિવૂડને કોપીવૂડ ગણાવ્યું છે.‘સિકંદર’ના પોસ્ટરમાં સલમાન ખાનના હાથમાં ધારદાર હથિયાર છે અને તે નિશાન સાધવાની તૈયારી સાથે ટાંપીને ઊભેલો જણાય છે. જેકલીનની ‘મિસીસ સિરિયલ કિલર’ના પોસ્ટર સાથે ઘણી સમાનતા જોવા મળી છે. ૨૦૨૦માં રિલીઝ થયેલી આ ફિલ્મના પોસ્ટરમાં જેકલીનના હાથમાં ધારદાર વસ્તુ હતી અને તે પણ હુમલો કરવાની પોઝિશનમાં ઊભી હોય તેમ જણાતુ હતું.
આ બંને ફિલ્મના પોસ્ટર વચ્ચે રહેલી સમાનતાએ સોશિયલ મીડિયા યુઝર્સને સલમાન ખાન પર તૂટી પડવાની તક આપી હતી. જેકલીનની ફિલ્મ તો બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. હવે સલમાનની આ નકલવાળી ફિલ્મ કેટલી ચાલે છે તે જોવું રહ્યું, તેવી કોમેન્ટ્સ થઈ હતી. સલમાનની સર્જનાત્મકતા કેટલી હદે ઘટી ગઈ છે, કે તેણે જેકલીનની નકલ કરવી પડી? તેવું આશ્ચર્ય પણ વ્યક્ત થયુ હતું. ઓરિજિનાલિટી કે પ્રયાસ વગર સ્ટારડમ જાળવી રાખવાનું સલમાન માટે અઘરું હોવાનું ઘણાને લાગ્યું હતું. સલમાન ખાનની આ ફિલ્મને ઈદ ૨૦૨૫ પર રિલીઝ કરાશે.
ગજની જેવી હિટ ફિલ્મો આપનારા ડાયરેક્ટર એ.મુરગોદાસે તેનું ડાયરેક્શન કર્યું છે. ફિલ્મમાં સલમાનની સાથે કાજલ અગ્રવાલ અને રશ્મિકા મંદાના પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મના પ્લોટ અંગે કોઈ જાણકારી બહાર આવી નથી. કેટલાક લોકોના મતે અમિતાભ બચ્ચનની ‘સરકાર’ની નકલ કરવામાં આવી છે. જેકલીનની ‘મિસીસ સિરિયલ કિલર’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તેને ફરાહ ખાને બનાવી હતી. આ ફિલ્મમાં જેકલીનના પતિ પર સિરિયલ કિલર હોવાનો આરોપ લાગે છે. પતિને બચાવવા પ્રયાસ કરતી પત્નીના રોલમાં જેકલીને એક્શન-થ્રિલરની સાથે સસ્પેન્સ પણ જાળવી રાખ્યુ હતું. જેકલીનની આ ફિલ્મ ઓડિયન્સને ખાસ પસંદ આવી ન હતી. ss1