Western Times News

Gujarati News

સલમાનની દિલદારીઃ ચાર્જ લીધા વગર ચાર ફિલ્મોમાં કેમિયો કરશે

મુંબઈ, સ્ટાર વેલ્યુ અને રોલના મહત્ત્વના આધારે કોઈ ફિલ્મમાં કેમિયો માટે પણ કરોડો રૂપિયા મળતા હોય છે. કેટલાક કિસ્સામાં તો આખી ફિલ્મમાં લીડ રોલ કરતાં અડધી રકમ થોડી મિનિટના રોલમાં ચૂકવાઈ હોવાનું પણ બન્યું છે. જો કે સલમાન ખાનના કેમિયો દોસ્તીમાં થતા હોય છે.

ચાર બિગ બજેટ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો ફાઈનલ થયો છે અને ચારેય ફિલ્મમાં કોઈ પણ ચાર્જ લીધા વગર સલમાન કામ કરવાના છે. બોલિવૂડના ચાહકોમાં દબંગ અને ટાઈગર જેવા નામથી ઓળખાતા સલમાન ખાનને લોકો પ્રેમથી ભાઈજાન કહે છે.

સલમાન ખાન આગામી સમયમાં સિંઘમ અગેઈન, બેબી જ્હોન, સ્ટારડમ અને સફરમાં કેમિયો કરવાના છે. આ ચારેય ફિલ્મની ટીમને સપોર્ટ કરવા સલમાને સ્પેશિયલ રોલ સ્વીકારયો છે. રિપોટ્‌ર્સ મુજબ, સલમાને કોઈ પણ ફી લીધા વગર આ કેમિયો કરવાનો નિર્ણય લીધો છે.

સલમાન ખાનના ફિલ્મી કરિયર ત્રણ દાયકાની છે અને આયલા વર્ષોમાં સલમાને ઈન્ડસ્ટ્રીમાં ઘણાં મિત્રો બનાવ્યાં છે. અગાઉ સલમાને ‘પઠાણ’, ‘તીસ માર ખાન’, ‘સન ઓફ સરદાર’ જેવી ફિલ્મોમાં કેમિયો કરેલા છે.ઘણાં ચાલકો સલમાનનો કેમિયો જોવા માટે થીયેટરમાં જતા હોય છે.

સલમાનની સ્ટાર વેલ્યુની મદદથી ફિલ્મને સપોર્ટ આપવાનું ફિલ્મ મેકર્સ વિચારે છે. સલમાને તાજેતરમાં વરુણ ધવનનો લીડ રોલ ધરાવતી ‘બેબી જ્હોન’માં કેમિયોનું શૂટિંગ પૂરું કર્યું છે. આ કેમિયોમાં સલમાન અને વરુણની દોસ્તી તથા એક્શન સીન્સ સમાવાયા છે.

રોહિત શેટ્ટીની મલ્ટિ સ્ટાર ફિલ્મ ‘સિંઘમ અગેઈન’નું શૂટિંગ ટૂંક સમયમાં મુંબઈ ખાતે સ્ટુડિયોમાં થવાનું છે. આ ફિલ્મમાં સલમાન ખાન ‘દબંગ’ પોલીસ ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળશે. તેમની સાથે બાજીરાવ સિંઘમ એટલે કે અજય દેવગન પણ છે.

શાહરૂખના દીકરા આર્યનની ‘સ્ટારડમ’માં કેમિયોનું શૂટિંગ સલમાને થોડા દિવસ પહેલાં જ પૂરું કર્યું છે. ‘સ્ટારડમ’ આર્યનની પ્રથમ વેબ સિરીઝ છે અને પહેલી વખત સલમાન પણ વેબ સિરીઝમાં જોવા મળશે. આમ, સલમાન અને આર્યનની ઓન સ્ક્રિન કેમિસ્ટ્રી રસપ્રદ બની રહેશે.

સની દેઓલની ‘સફર’માં સલમાનનો કેમિયો છે, જેમાં તેમણે સુપરસ્ટારનો રોલ કર્યો છે. આ નાનકડા રોલમાં સલમાનની ઓનસ્ક્રિન ઈમેજને રજૂ કરવામાં આવી છે. સલમાનનો લીડ રોલ ધરાવતી ફિલ્મોની વાત કરીએ તો હાલ ‘સિકંદર’નું શૂટિંગ ચાલી રહ્યું છે, જે ઈદ ૨૦૨૫માં રિલીઝ થવાની છે. આ ઉપરાંત ૨૦૧૪ની હિટ ફિલ્મ ‘કિક’ની સીક્વલ બનાવવાની જાહેરાત પણ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ કરી છે. સાજિદ નડિયાદવાલાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સલમાનનો મોનોક્રોમ ફોટોગ્રાફ શેર કર્યો હતો.

કેપ્શનમાં કિક ૨ બનાવવાનું એલાન કરવાની સાથે સાજિદે સલમાનની આગામી ફિલ્મ સિકંદરનું પ્રમોશન પણ કર્યું હતું. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સમયથી સીક્વલનો ટ્રેન્ડ શરૂ થયો છે.

સલમાનની ટાઈગર ળેન્ચાઈઝની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પણ ‘કિક’ની સીક્વલ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. સાજિદ નડિયાદવાલા પણ ‘કિક ૨’ બનાવવા ઉત્સુક હતા. તેઓ સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમને સારી સ્ક્રિપ્ટ મળી હોય તેમ લાગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.