વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશને સલામ
ગરીબ, લાચાર અને વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને શાંતિથી જીવવાની આશા જાગી છે. ગુજરાત પોલીસનું પગલું સરાહનીય છે
વ્યાજખોરીની સમસ્યા નવી નથી.. શાહુકારોના તોતિંગ વ્યાજથી લોકોને બચાવવા સહકારી સંસ્થાઓનો ઉદય થયો… પરંતુ સમય બદલાયો, મોંઘવારી અને લોકોની જરૂરિયાત પણ બેકાબૂ બનતા વ્યાજખોરીનું વિષચક્ર લોહિયાળ બન્યું છે. વ્યાજની માયાજાળમાં ફસાયેલ પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વ્યાજખોરી કરતાં લોકોએ વ્યાજે આપવાના ધંધાને કાયદેસર કે વ્યાવસાયિક રીતે કરવાને બદલે માનવતાને નેવે મૂકી હરામખોરી શરૂ કરી છે. ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે શરૂ કરેલી ઝુંબેશનો સમગ્ર રાજ્યમાં અમલ થતા જનમાનસમાં પડઘો પડ્યો છે. લોકો મનોમન પોલીસ કાર્યવાહીને સલામ કરે છે. ગરીબ, લાચાર અને વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને શાંતિથી જીવવાની આશા જાગી છે. ગુજરાત પોલીસનું પગલું સરાહનીય છે.
દેશમાં ગરીબી રહેશે ત્યાં સુધી વધુ વ્યાજનું દૂષણ રહેવાનું છે. અતિ ગરીબ માણસને આકસ્મિક જરૂરિયાત માટે કોઈ સંસ્થા કે બેન્ક નાણાં આપે ત્યારે ન છૂટકે વધુ વ્યાજે ખાનગી ધીરધાર કરતા લોકો પાસેથી લેવા પડે છે. જે વ્યાજનો ભાર પરિવારની કમર તોડી નાંખે છે. સામાન્ય મજૂરીથી કમાયેલા નાણાં વ્યાજમાં ધોવાઈ જાય છે. પરિણામે વ્યાજનું ચક્ર પૂરું થતુ જ નથી. મુદ્દલ અને તેનાથી અનેક ગણું વ્યાજ ચૂકવ્યા બાદ પણ કરજદારો વ્યાજના ચક્રમાંથી મુક્ત થઇ શકતા નથી અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી- ટોર્ચરિંગ અને ઇમોશનલ બ્લેકમેલિંગ કરે છે. પરિણામે થાકી હારી આખરે આત્મહત્યા સુધી વાત પહોંચે છે. આત્મહત્યાના વધી રહેલા બનાવો પાછળ ઘણા કારણોમાં વ્યાજનું દૂષણ પણ એક કારણ છે. પુરુષોની આત્મહત્યાના બનાવોમાં ૫૦ ટકાથી વધુ આર્થિક સંકડામણ- વ્યાજખોરોના અતિ ત્રાસનું કારણ હોય છે. આર્થિક વ્યવસ્થામાં થઈ રહેલા ફેરફારો… મોંઘવારી તથા વર્તમાન સમયે ઊભી થયેલી પરિસ્થિતિ જાેતા ગરીબ માણસને કોઈ ચમત્કાર જ આર્થિક રીતે સુખી કરી શકશે.
ખરેખર આર્થિક નીતિઓ એવી બનાવવી જાેઈએ કે જેનાથી ગરીબને પણ આગળ આવવાની તક મળે. લોકોએ પણ જાગૃત થઇ આ તક ઓળખવી જાેઈએ અને પ્રયાસ કરવાની જરૂર છે. વ્યાજખોરોના ત્રાસને પોલીસ થોડા સમય જ અટકાવી શકશે પરંતુ લોકોમાં જાગૃતિ ન આવે તથા સરળતાથી નાણાં ન મળે. તેમજ વિકાસની તકો જ ન મળે તો વ્યાજનું ચક્કર અટકાવવું મુશ્કેલ પણ જણાય છે.
ગુજરાતની પોલીસ માત્ર વ્યાજખોરો સામે ફરિયાદ તથા ધરપકડ કરી અટકી નથી. અધિકારીઓનો અભિગમ કરજદારોે વ્યાજખોરોના ત્રાસથી છોડાવવાનો પ્રયાસ છે. એટલું જ નહીં લોકોને ઝડપથી સરળતાથી ઓછા વ્યાજે નાણાં મળે તે માટે નોંધનીય પ્રયાસ પણ શરૂ કરેલ છે. આ પ્રયાસને પણ સલામ કરવી પડે તેમ છે. અત્યાર સુધી પોલીસ ફરિયાદ કરવા ૧૦૦ નંબર ઉપર ડાયલ કરતા પરંતુ હવે લોન લેવા માટે ૧૦૦ નંબર ઉપર ફોન કરી મદદ લઈ શકાય છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જ લોકો જતા હોય છે. પરંતુ હવે લોન લેવા માટે પણ પોલીસ સ્ટેશન એક સ્થળ બન્યું છે. પોલીસ તંત્રનો આ બદલાવ કદાચ ખૂબ મોટી ક્રાંતિ લાવશે. કોઈ ઉદ્યોગગૃહ કે સંસ્થા કે બેન્કો લોન મેળાનું આયોજન કરે તેવું બને છે. પરંતુ સુરતમાં શહેર પોલીસે નાના ગરીબ માણસો માટે લોન મેળાનું આયોજન કરી મોટો દાખલો બેસાડ્યો છે.
પોલીસ અધિકારીઓ ફોર્મ ભરવામાં મદદ કરે છે. સુરતમાં એક જ દિવસે ૨,૧૦૦ અરજદારો લોન માટે આવ્યા હતા તેમાંથી ૧,૧૦૦ લોકોએ લોન માટે અરજી પણ કરી છે. ગરીબના અંતર્નાદ અને વેદનાને સમજદાર પોલીસને ધન્યવાદ. વ્યાજખોરોની સતામણીનો ભોગ બનેલા પરિવારોની કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. માસિક ૧ ટકા વ્યાજ ધંધો-વેપાર કરનારને પણ પોસાય તેમ નથી ત્યારે મહિને ૩,૫ કે ૧૦ ટકા વ્યાજે નાણાં લેનાર વ્યક્તિ ક્યારેય પરત આપી શકે નહીં. વ્યાજખોરો માટે પૈસા જ પરમેશ્વર છે. આ માટે તેઓ કોઈપણ હદ સુધી જાય છે. ગરીબ લોકોને લૂંટવા માટે પાળેલા ગુંડાઓ રાખી અસહ્ય ત્રાસ-ધમકીઓ આપી પૈસા વસૂલે છે. મોટાભાગના લોકો ફરિયાદ જ કરતા નથી. આવા તત્ત્વોને અટકાવવા માટે હજુ વધુ કડક કાયદાઓની પણ જરૂર છે. વ્યાજનો ધધો કરવો હોય તો નિયમ પ્રમાણે લાઈસન્સ લઈને જ વ્યાજનો ધંધો કરી શકે અને લોકોએ પણ વ્યાજે નાણાં લેતી વખતે ઘણી બાબતની કાળજી લેવી પડે તેમ છે.
મજબૂરીનો લાભ લઈ નાની રકમની સામે મિલકતો લખાવી લે છે. વ્યાજ વસૂલવા વાહનો કે ઘરવખરી પણ ઉઠાવી જાય છે. એટલું જ નહીં ઘરમાં મહિલાઓ સામે નજર પણ બગાડે છે. થોડી રકમની સામે વધુ કિંમતની મિલકત પણ પડાવી લે છે. રીતસર વ્યાજખોરીના આતંકથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. ક્યારેક આ દૂષણ હદ વટાવે છે. વ્યાજે નાણાં લેનાર કે પરિવારના સભ્યને ઉઠાવી લાવી લખાવી લેવું, ચેક લઇ લેવા કે અન્યની ગેરંટી લીધા પછી જ છોડે છે. ભોગ બનનારમાં ફરિયાદ કરવાની પણ હિંમત રહેતી નથી. પોલીસનો સહકાર મળતા ભોગ બનેલા લોકો બહાર આવી ફરયાદો આપવા લાગ્યા છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામેની આક્રમક ઝુંબેશને કારણે ઘણી ફરિયાદો થઈ છે. અંદાજે ૧,૦૦૦થી વધુ લોકો સામે ગુના દાખલ થયા છે. ૫૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અસંખ્ય લોકો-પરિવારો આત્મહત્યા કરવા સુધી પહોંચે તે પહેલાં પોલીસની કાર્યવાહીથી તેઓ બચી ગયા છે. સામે આવેલી વાસ્તવિકતામાં વ્યાજખોરોના ત્રાસ કે નાણાં વસૂલવાની રીતોની વાતો રડાવી દે તેવી છે. શહેરો કરતા ગામડાંઓમાં લોનની રકમ કદાચ નાની હશે પરંતુ ત્રાસ મોટો છે. જમીનો-મકાનો લખાવી લેવા તથા નાણાં વસૂલવા ગાય-ભેંસ કે બળદ લઇ જવા સામાન્ય થતું જાય છે. સૌથી દયાજનક વાત એ છે કે, ગામડાંમાં વ્યાજખોરનો માણસ ઉઘરાણી એ આવે એટલે જવાબની સાથે વાહનના પેટ્રોલના રૂ.૫૦ કે ૧૦૦ આપવા પડે છે. ગામડાંમાં આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો સામાન્ય વ્યક્તિ પાસેથી પૈસા મળતા નથી એટલે ના છૂટકે પઠાણી ઉઘરાણી કરતા હોય તેવા લોકો પાસેથી નાણાં લેવા પડે છે.
માત્ર ભોજનનો પર્યત વધુ નથી. મોજશોખ, સુવિધાઓ, પ્રસંગો, ફેશન અને વ્યસનમાં વધુ ખર્ચ થાય છે. બચત ન હોવાથી આકસ્મિક જરૂરિયાત પડે ત્યારે પૈસા ન હોવાથી વ્યાજખોરની લાચારી કરી પૈસા મેળવવા પડે છે. આ બાબતમાં લોકોએ ઘણી બાબતમાં કાળજી લેવી પડે તેમ છે. નાણાં સરળતાથી મળે એટલું જ નહીં તે નાણાં પરત ભરે તેવી માનસિકતા સાથે પ્રગતિશીલ સમાજ નિર્માણની પણ જરૂર છે. તે માટે યોગ્ય બેન્કિંગ સુવિધાઓ અને તકોનું નિર્માણ પણ કરવું પડે તેમ છે.