સીટીએમમાં સર્વિસ રોડ બેસી જતાં વાહનો ફસાયા
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રિમોનસુનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ પ્રિમોનસુનની સંપૂર્ણ કામગીરી ધોવાઈ ગઈ હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ મ્યુનિ. કોર્પો.ના કમિશ્નરોની તાકીદે બેઠક બોલાવી હતી અને તેમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અમદાવાદ શહેરમાં સીટીએમ નેશનલ હાઈવે નં.૮ પાસે અમદાવાદ- વડોદરા એકસપ્રેસ હાઈવે નજીક સર્વિસ રોડ પર મ્યુનિ. કોર્પો. દ્વારા પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી એક મહિના પહેલા જ આ કામગીરી પૂર્ણ કરી દેવાઈ હતી અને ખોદકામના સ્થળ પર સમગ્ર સર્વિસ રોડ પર પુરાણ કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ ગઈકાલે રાત્રે પડેલા વરસાદમાં આ પુરાણ બેસી જતાં સમગ્ર રસ્તો બેસી ગયો છે જેના પરિણામે વાહન ચાલકો માટે આ રસ્તો જાખમી બન્યો છે મોડી રાત્રે પડેલા વરસાદમાં બેસી ગયેલા રસ્તા પર મધરાતે એક હેવી ટેન્કર પણ તેમાં ફસાયુ છે આ ઉપરાંત અન્ય વાહનચાલકો પણ ફસાયા હતાં પરંતુ ભારે જહેમત બાદ તેઓને બહાર કઢાયા હતાં આ વરસાદમાં સમગ્ર રસ્તો બેસી જવાની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.