સામાખ્યાલી જંકશન: પ્રવાસ, પરંપરા અને પ્રગતિનું પ્રવેશદ્વાર

Ahmedabad, ભારતીય રેલવેને અવારનવાર દેશની લાઈફલાઈન તરીકે ઓળખવામાં આવે છે. રેલપરિચાલનમાં રેલવે સ્ટેશનોની ભૂમિકા અનન્ય છે — એ સ્ટેશનો કેટલાય વખત શહેરની ઓળખ બની જાય છે. મોટાભાગના રેલવે સ્ટેશનો શહેરના કેન્દ્રસ્થાને આવેલાં હોય છે, જ્યાંથી શહેરની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિકસે છે.
તેથી રેલવે સ્ટેશનોનો વિકાસ માત્ર ટ્રેનોના રોકાણ પુરતો નહીં, પરંતુ શહેરના ગૌરવ અને આદરનું પ્રતિક બનવો જોઈએ. જ્યારે રેલવે સ્ટેશનોને સ્થાનિક સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓના આધારે ભવ્ય બનાવવામાં આવે છે, ત્યારે તે સ્થાનિક અને વિદેશી મુસાફરો માટે શહેર સાથેનો પહેલો અને યાદગાર સંપર્ક બની જાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વમાં ભારતની વૈશ્વિક વિશ્વસનીયતા વધી છે. રેલવે સ્ટેશનોના પુનર્વિકાસના શિલાન્યાસ સમયે તેમણે જણાવ્યું હતું કે, “વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહેલું ભારત તેના અમૃત કાળના પ્રારંભમાં છે. નવી ઊર્જા છે, નવી પ્રેરણા છે, નવા સંકલ્પ છે.”
આ દ્રષ્ટિથી પ્રેરાઈને ભારતીય રેલવે દ્વારા દેશભરના 1300થી વધુ રેલવે સ્ટેશનોના કાયાકલ્પની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. માત્ર 2 વર્ષથી ઓછા ગાળામાં “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ પુનર્વિકસિત 103 સ્ટેશનોના ઉદ્ઘાટન માટે ભારત તૈયાર થયું છે — એક અદ્વિતીય સિદ્ધિ. પ્રધાનમંત્રીએ ઘણીવાર જણાવ્યું છે કે જે પ્રોજેક્ટ્સના શિલાન્યાસ તેઓ કરે છે, તેનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરે છે.
આ વિકસિત ભારતની નવી કાર્યસંસ્કૃતિનો પરિચય આપે છે, જ્યાં કાર્યની ગતિ અને પૂર્ણતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રૂપે દેખાય છે. આ યોજનાના અંતર્ગત વિકસિત થયેલા 103 સ્ટેશનો પર ભવ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફસાડ, હાઇ માસ્ટ લાઇટિંગ, આધુનિક વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર, આધુનિક શૌચાલય અને દિવ્યાંગજનો માટે સુલભ રેમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્લેટફોર્મ શેલ્ટર, કોચ ઈન્ડિકેશન સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
તમામ સુવિધાઓને દિવ્યાંગજન અનુકૂળ બનાવવામાં આવી છે. ઉપરાંત, દરેક સ્ટેશન પર સ્થાનિક લોકકલાની ઝલક પણ જોવા મળે છે, જેમાં રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળે છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સામાખ્યાલી જંક્શનને લાંબા સમયથી આ વિસ્તારમાં પ્રવેશદ્વાર તરીકે માનવામાં આવે છે. 1950ના દાયકામાં કચ્છ રાજ્ય રેલવેના વિસ્તરણ દરમિયાન સ્થાપિત થયેલું આ સ્ટેશન શરૂઆતમાં વેપાર અને કૃષિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવ્યું હતું. આજે તે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આવેલ મહત્વપૂર્ણ જંક્શન છે, જ્યાંથી મુસાફરો અને માલસામાન બંનેના ટ્રાફિક માટે સહજ રૂટ મળે છે.
હાલમાં, સ્ટેશન NSG-4 કેટેગરીમાં વર્ગીકૃત છે, જેમાં પાંચ પ્લેટફોર્મ, 48 સ્ટોપિંગ ટ્રેનો અને રોજે રૂ.700 થી 1000 જેટલા મુસાફરોની અવરજવર નોંધાય છે. મુસાફરોના અનુભવને વધુ આરામદાયક બનાવવાના દ્રષ્ટિકોણથી, “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ સામાખ્યાલી જંક્શનનો રૂપાંતરણ કરવામાં આવ્યું છે. રૂ.13.64 કરોડના રોકાણ સાથે અહીં આધુનિકતા, કાર્યક્ષમતા અને સાંસ્કૃતિક વિશિષ્ટતાનું અનોખું મિશ્રણ સર્જાયું છે.
પુનર્વિકાસ હેઠળ પ્લેટફોર્મ કવર શેડ, ફૂટ ઓવર બ્રિજનું વિસ્તરણ, દિવ્યાંગજનો માટે લિફ્ટ, રેમ્પ, હેન્ડરેલ, માર્ગદર્શક ટાઇલ્સ અને અનુકૂળ શૌચાલય જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. વાસ્તુશિલ્પમાં સ્થાનિકતા અને આધુનિકતા એ બંને તત્વો સમાવી લીધાં છે. મડ આર્ટનો ઉપયોગ કરીને કચ્છની લોકકલાનું પ્રતિબિંબ station ડિઝાઇનમાં રજૂ થયું છે. નવું પ્રવેશદ્વાર સુંદરતા અને સ્વાગતનો ભાવ વ્યક્ત કરે છે. ફૂડ પ્લાઝા, સુધારેલી સાઇનેજ, મોડ્યુલર ટોઇલેટ, પાર્કિંગ સુવિધાઓ, સ્ટાફ ક્વાર્ટર્સ અને એલિવેટેડ ટ્રાન્ઝિટ વિસ્તાર જેવી સુવિધાઓને પણ વિસ્તૃત બનાવવામાં આવી છે, જેના દ્વારા મુસાફરોના પ્રવાસને વધુ અનુકૂળ બનાવવામાં આવે છે.
આ રીતે, સામાખ્યાલી રેલવે સ્ટેશન હવે માત્ર ટ્રાન્ઝિટ પોઈન્ટ નહીં, પણ પ્રગતિશીલ, સંસ્કૃતિસભર અને અનુકૂળ કેન્દ્ર તરીકે કચ્છની નવી ઓળખ બની રહ્યું છે. આ રુપાંતરણ સ્ટેશનના ઇતિહાસને ભવિષ્ય સાથે જોડે છે અને તેને ક્ષેત્રના મુખ્ય રેલવે કેન્દ્ર તરીકે પુનઃસ્થાપિત કરે છે.
ભારતીય રેલવે દેશના વિકાસનું વ્હીલ છે. રેલવે સ્ટેશનો એ વિકાસયાત્રાના મહત્વપૂર્ણ મણકા છે. દરેક નાગરિક માટે માત્ર તેનો ઉપયોગ કરવો પૂરતો નથી, પરંતુ તેને જતનથી જાળવવો અને સ્વચ્છ રાખવો પણ આપણી સામૂહિક જવાબદારી છે.