સામંથાએ ફોન સાથે રાખ્યા વગર ૩ દિવસ મૌનમાં વીતાવ્યા

સામંથાએ આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની સાથે પ્રોફેશનલ લાઈફ પણ જાળવી
પોતાની જાત સાથે એકલા રહેવાનો અનુભવ ડરામણો છે, પણ વારંવાર મૌન-એકાંતને માણવા છેઃ સામંથા
મુંબઈ,સામંથા રૂથ પ્રભુએ અંગત જીવનના વિવાદો અને બીમારીના કારણે ઘણી તકલીફો વેઠેલી છે. તકલીફોનો સામનો કરીને મજબૂત બનેલી સામંથાએ કરિયર અને પર્સનલ લાઈફને નવું બળ આપવા આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યાે છે. સામંથા તાજેતરમાં પોતાનો મોબાઈલ સાથે રાખ્યા વગર ત્રણ દિવસ મૌન અને એકાંતમાં વીતાવ્યા હતા. સામંથાએ પોતાની આ આધ્યાત્મિક સફરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સામંથા તામિલનાડુના કોઈમ્બતુર ખાતે એક આશ્રમમાં ગઈ હતી.
સામંથાએ સુંદર હરિયાળીની વચ્ચે વીતાવેલા ત્રણ દિવસ અંગે કહ્યું હતું કે, ત્રણ દિવસ મૌનમાં વીતાવ્યા. ફોન નહીં, કોઈ કમ્યુનિકેશન નહીં. મારી કંપનીમાં હુંજ હતી. પોતાના અનુભવનો સાર વર્ણવતા સામંથાએ પોસ્ટમાં કહ્યું હતું કે, પોતાની જાત સાથે એકલા રહેવાનો અનુભવ સૌથી વધુ ડરામણો છે. મારે ફરીથી આવું કરવું જોઈએ? લાખો વખત આવો અનુભવ કરવો છે. તમારે પણ આ અનુભવ કરવો જ જોઈએ. સામંથાએ પોતાની લાગણી અને અનુભવો શેર કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. શારીરિક અને માનસિક તકલીફો અંગે પણ તેણે ખુલીને વાત કરેલી છે.
૨૦૧૭માં નાગા ચૈતન્ય સાથે લગ્ન બાદ ૨૦૨૧માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેને ઓટોઈમ્યુન ડીસીઝ માયોસિટીસનું નિદાન થયુ હતું. આરોગ્ય અને અંગત જીવનની બેવડી તકલીફો વચ્ચે સામંથાએ અલગ-અલગ સ્થળોનો પ્રવાસ ખેડ્યો હતો અને મજબૂત થઈને બહાર આવી હતી. સામંથાએ આ સમયગાળામાં ધ્યાન, મૌન અને એકાંતના મહત્ત્વનો અનુભવ કર્યાે હતો. વરુણ ધવન સાથે વેબ સિરીઝ ‘સિટાડેલઃ હનીબની’ બાદ તેની આગામી સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ’ છે. આ સિરીઝમાં તેની સાથે આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે. તેલુગુ ફિલ્મ ‘મા ઈન્તી બંગારામ’માં પણ સામંથા જોવા મળશે. આમ, સામંથાએ આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની સાથે પ્રોફેશનલ લાઈફ પણ જાળવી છે.ss1