રાજયમાં પ્રથમવાર યુ-ટયુબના માધ્યમથી છાત્રાલયોમાં પ્રવેશ માટેનું ઓનલાઈન મેરીટ પ્રસિધ્ધ કરાયું
૧૫૮ સરકારી છાત્રાલયોમાં કુલ ૧૯,૭૪૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે –અમદાવાદ સમરસ છાત્રાલયમાં સૌથી વધુ ૧૮૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
રાજય સરકારે તમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજયમાં સરકારી છાત્રાલયો શરૂ કરાવવામાં આવ્યા છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે. તે અંતર્ગત આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ૧૫૮ સરકારી અને સમરસ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપાવ્યો હતો.
રાજ્યમાં પ્રથમવાર અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ રાજ્યકક્ષા મંત્રીશ્રી ભીખુભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યુ-ટયુબ દ્વારા લાઈવ ઓનલાઈન મેરીટ પ્રસિદ્ધ કરી ૧૫૮ સરકારી અને સમરસ છાત્રાલયોમાં ૧૯,૭૪૪ વિદ્યાર્થીઓને સરકારી અને સમરસ છાત્રાલયોમાં પ્રવેશ અપાવ્યો હતો. જેમાં અમદાવાદ ખાતેના સમરસ છાત્રાલયમાં ૧૮૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
આ મેરીટ પ્રસિદ્ધિ થયા બાદ મેરીટમાં આવનાર અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ ૭૮ કુમાર-કન્યા છાત્રાલયોના ૧૮૪૧ રિન્યુઅલ વિદ્યાર્થીઓ અને ૨૪૯૧ નવા વિદ્યાર્થીઓ, વિકસતી જાતિ ક્લ્યાણ હેઠળ ૫૯ કુમાર-કન્યા છાત્રાલયોના ૮૯૫ રિન્યુઅલ વિદ્યાર્થીઓ અને ૨૨૩૩ નવા વિદ્યાર્થીઓ તેમજ સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના ૨૧ કુમાર-કન્યા છાત્રાલયોના ૪૬૩૬ રિન્યુઅલ વિદ્યાર્થીઓ અને ૭૬૪૮ નવા વિદ્યાર્થીઓ ને જરૂરી દસ્તાવેજોનુ વેરિફિકેશન કરી વર્ષ ૨૦૨૪-૨૫ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ સરકારી છાત્રાલયો તેમજ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવવામાં આવી હતી.
આ અરજીઓની ચકાસણી થયા બાદ મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, વિકસતી જાતિ અને બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની ૧૫૮ સરકારી અને સમરસ છાત્રાલયોમાં પ્રથમવાર ઓનલાઈન યુ-ટયુબ પર લાઈવ પ્રસારણ કરી મેરીટ આધારે પ્રવેશ આપવાનો સંપુર્ણ પારદર્શક નિર્ણય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કર્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓ પારદર્શક રીતે કેટેગરી વાઈઝ મેરીટ જોઈ પ્રવેશ મેળવી શકશે.
આ ઓનલાઈન કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, સામાજિક ન્યાય અને અધિકારીતા, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ અધિક મુખ્ય સચિવશ્રી, ખાતાના વડાશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.