જંગલ ખાતા હસ્તકનો જૂનો ઘાસચારો અબોલ પશુઓને આપવા વિનંતી કરાઇ
સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહની ગુજરાત રાજ્યનાં વનમંત્રી કિરીટસિંહ રાણા સાથે શુભેચ્છા મુલાકાત.
વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહે ગુજરાતના વન મંત્રી કિરીટસિંહ રાણા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ગિરીશભાઈ શાહની સાથેનાં પ્રતિનિધિ મંડળમાં એનિમલ વેલ્ફેર બોર્ડના મિતલ ખેતાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, હેમેન્દ્રભાઈ દફતરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વન વિભાગ દ્વારા જંગલમાં ઉગાડવામાં આવતા ચારાનો ત્રણ વર્ષ સુધી સંગ્રહ કરવામાં આવે છે, ત્યારબાદ તેનો નિકાલ કરવામાં આવે છે. ત્રણ વર્ષ પછી ચારો ખાવા માટે યોગ્ય રહેતો નથી.
મુલાકાત દરમ્યાન ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવી હતી કે જ્યારે આ ઘાસચારો નવી સિઝન માટે આવે છે, ત્યારે જૂનો ચારો અબોલ પશુઓને આપવો જોઈએ. જેથી ત્યાં ખાદ્યપદાર્થોનો ઉપયોગ થઈ શકે અને સરકારી સંગ્રહ કરવા માટે ગોડાઉન પણ ખાલી રહે.
આ ઉપરાંતમાં વાઇલ્ડ એનિમલ્સ અને બર્ડ્સ માટેની નિઃશુલ્ક હોસ્પિટલ અને ઘવાયેલા વાઇલ્ડ પશુ પક્ષીઓ માટે નિઃશુલ્ક શેલ્ટર બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યનાં વનમંત્રી કિરીટસિંહ રાણા દ્વારા આ વિનંતીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.