Western Times News

Gujarati News

સંભલ હિંસાના તોફાનીઓના પાસેથી નુકસાન વસૂલશે

નવી દિલ્હી, યુપીમાં સંભલ રમખાણોમાં પથ્થરમારો કરનારા હિંસાખોરોની ઓળખ થઈ ગઈ છે. હવે, યોગી સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ અંગે અધિકારીઓને સૂચનાઓ આપી છે.

ટૂંક સમયમાં તેમના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. હિંસા દરમિયાન તોફાનીઓ દ્વારા જાહેર સંપત્તિને થયેલા નુકસાનની તેમની પાસેથી વસૂલાત કરવામાં આવશે.

યોગી સરકાર પહેલાથી જ બદમાશો અને ગુનેગારો સામે વળતર અંગે વટહુકમ બહાર પાડી ચૂકી છે. ફરાર બદમાશો પર ઈનામ પણ જાહેર થઈ શકે છે. સંભલ રમખાણોમાં અત્યાર સુધીમાં ૨૭ હિંસાખોરોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે તેમની તસવીરો પણ જાહેર કરી છે. દરમિયાનમાં, મુરાદાબાદના કમિશનરે સંભલના તોફાનો અંગે સંભલ પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ સરકારને મોકલી આપ્યો છે. જેમાં સરકારને તમામ પાસાઓની જાણકારી આપવામાં આવી છે.

રિપોર્ટમાં પહેલા દિવસના સર્વે અને ત્યારપછીના સર્વેથી લઈને હંગામો કેવી રીતે વધ્યો અને કયા પુરાવા મળ્યા છે તે તમામનો વિગતવાર અહેવાલ મોકલવામાં આવ્યો છે.આ મામલે અત્યાર સુધી નોંધાયેલી ૮ એફઆઈઆરમાં ૮૦૦ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. ૧૦૦થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે. તેમના પોસ્ટરો લગાવવાની તૈયારી ચાલી રહી છે.

મુરાદાબાદના ડીઆઈજી મુનિરાજ ડીએ કહ્યું છે કે જે લોકો આ હંગામામાં સામેલ હતા તેઓએ કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. પોલીસ બદમાશોની ઓળખ માટે સાયબર સેલની મદદ લઈ રહી છે. હાલમાં સંભલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. મંગળવારે દુકાનો ખુલી હતી. વાહનવ્યવહાર પણ યથાવત થઈ ગયો હતો અને વાતાવરણ શાંતિપૂર્ણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.