જૂના પહાડિયા જેવો જ કિસ્સોઃ દહેગામમાં 1500ની વસ્તી ધરાવતું ગામ વેચાયું
દહેગામ પાલિકા વિસ્તારમાં ૧૮ વીઘા જમીન પર રામાજીના છાપરાં વસુલે છે, તેમાંથી ૧૪ વીઘા જમીના ૭/૧રમાં ફેરફાર થયો
(એજન્સી)ગાંધીનગર, ભૂમાફિયાઓએ દહેગામ પંથકને સોફટ ટાર્ગેટ બનાવી દીધું હોય તેમ લાગે છે. વર્ષોથી લોકોનો વસવાટ હોય તેવા વિસ્તારની જમીનો બારોબાર વેચી દેવાના પ્રયાસો એક પછી એક બહાર આવી રહ્યા છે. દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામને બારોબાર વેચી મારવાના ચકચારી પ્રકરણ બાદ દહેગામ ગરપાલિકા વિસ્તારની જમીન પણ આ જ પ્રકારે વેચાઈ હોવાનો ખુલાસો થયો છે.
દહેગામ નગરપાલિકાના વોર્ડ નં.૭માં રામાજીના છાપરાં વિસ્તાર આવેલો છે. પાલિકા વિસ્તારના આ ગામની જમીનનું વેચાણ થયા બાદ ૭/૧રના ઉતરામાં પણ નવા માલિકના નામ આવી ગયા છે. ર૦૦ મકાનમાં ૧પ૦૦ની વસ્તી ધરાવતા ગામની જમીનના વેચાણ થતાં ચોંકી ઉઠેલા સ્થાનિકોએ ધારાસભ્યની મદદ માંગી છે.
દહેગામ નગરપાલિકાના વોર્ડ નં.૭ના નગરસેવક પરમાર શૈલેષસિંહ દીપસિંહે જણાવ્યું હતું કે, જૂના પહાડિયા ગામની જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રામાજીના છાપરા વિસ્તારની જમીનની માલિકી અંગે તપાસ કરવામાં આવી હતી. ૧૮ વીઘા વિસ્તારમાં આ ગામ વસેલું છે તેમાંથી ૧૪ વીઘાનો વેચાણ દસ્તાવેજ નોંધાયો છે. એટલું જ નહીં ૭/૧રના ઉતારામાં પણ નવા માલિકના નામ આવી ગયા છે.
અહીંયા વસવાટ કરનારા પરિવારોને અંધારામાં રાખીને તેમના મકાન છીનવી લેવાનો પ્રયાસ ભૂમાફિયાઓએ કર્યો છે. મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેકટર સહિત તમામ સ્તરે આ અંગે રજૂઆત કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘર બચાવી લેવા દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સમક્ષ રજૂઆત કરી હતી.
બલરાજસિંહે જણાવ્યું હતું કે, રામાજીના છાપરામાં કેટલીક જમીનનો દસ્તાવેજ રહીશોએ કરેલો છે જ્યારે અન્ય જમીન કાચા કાગળ પર લીધેલી છે. જૂના પહાડિયા ગામની જેમ આ ગામની જમીન પણ વેચાઈ હોવાની રજૂઆત થઈ છે. ૧પ૦૦ની વસ્તી ધરાવતા આ ગામના લોકોની સાથે રહીને જમીન લખનાર અને લખાવનાર સહિત દરેક સામે કાર્યવાહી થશે. ગામ લોકોના અધિકારના રક્ષણ માટે પક્ષ અને સરકાર શક્ય તમામ પ્રયાસ કરશે.