સમીર રિઝવીને ૮.૪ કરોડ મળતા પિતાની સારવાર કરાવી શકશે
નવી દિલ્હી, ચેન્નાઈ સુપર કિંગ્સે ક્રિકેટર સમીર રિઝવીને ૮.૪૦ કરોડ રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમમાં પસંદ કર્યો છે. ૨૦ વર્ષીય યુવા બેટ્સમેન સમીર રિઝવી અને તેના કાકા તાંકીબ અખ્તર જ્યારે મંગળવારે આઈપીએલની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યુવા ખેલાડી માટે બિડિંગ યુદ્ધ જાેવા મળ્યું ત્યારે તેઓ તેમની લાગણીઓને કાબૂમાં રાખી શક્યા નહોતા.
ઉત્તર પ્રદેશના આ ૨૦ વર્ષીય બેટ્સમેનને આખરે ચેન્નાઈ સુપર કિંગ્સે ૮.૪૦ કરોડની બોલી લગાવીને ખરીદ્યો. રિઝવી પરિવાર માટે આ નવો વળાંક ભારે સંઘર્ષ પછી આવ્યો છે. કારણ કે તેમના પિતા હસીન ખરાબ સ્વાસ્થ્યને કારણે કામ કરી શકતા નથી.
શારીરિક રીતે ખૂબ જ નબળા પડી ગયેલા હસીનને તેના પુત્ર પર ગર્વ છે. તેમને આશા છે કે તેમનો પુત્ર હવે તેમના માટે શ્રેષ્ઠ તબીબી સારવાર કરાવી શકશે. રિઝવીએ રાજ્યની અંડર-૨૩ ટુર્નામેન્ટમાં તે ફોર્મ ચાલુ રાખ્યું જ્યાં તેણે સાત મેચમાં ૪૫૪ રન બનાવ્યા.
આ સમયગાળા દરમિયાન આ યુવા બેટ્સમેને તે ટુર્નામેન્ટમાં ૧૬ મેચમાં ૭૨ છગ્ગા ફટકાર્યા હતા. તાંકીબે કહ્યું હતું કે આ તેની કુદરતી રમત છે.
તે એક એવો બેટ્સમેન છે જે નાની ઉંમરથી જ મોટા શોટ ફટકારે છે. તેણે નીતિશ રાણા અને રિંકુ સિંહ (યુપી ટી૨૦ લીગમાં) જેવા અનુભવી ખેલાડીઓ સાથે વાતચીત કરી છે અને તેઓની સાથે રમ્યો છે અને તેઓએ તેને તેની કુદરતી રમત રમવાની સલાહ આપી છે.
સમીર ખૂબ જ ઉત્સાહિત છે કે આખરે તે ધોનીને નજીકથી મળી શકશે. ધોની તેનો આદર્શ ખેલાડી છે. રિઝવીએ પણ સુપર કિંગ્સ માટે રમવાની તક વિશે પોતાનો ઉત્સાહ શેર કર્યો હતો પરંતુ તેણે સ્વીકાર્યું કે જ્યારે તેનું નામ હરાજીમાં આવ્યું ત્યારે તે નર્વસ હતો.
તેણે જીઓ સિનેમાને કહ્યું હતું કે મેં જાેયું કે મારી પહેલાં ચાર-પાંચ ખેલાડીઓ માટે કોઈ બોલી નથી. હું તે સમયે નર્વસ હતો. પરંતુ ધોની હંમેશા મારો આદર્શ રહ્યા છે. હું ખૂબ જ ઉત્સાહિત છું, છતાં તેને મળવા બાબતે થોડો નર્વસ છું. હું એમને ક્યારેય રૂબરૂ મળ્યો નથી.
તાંકીબે કહ્યું હતું કે અમને આશા હતી કે કોઈ એક ટીમ તો સમીરને હરાજીમાં પસંદ કરશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આટલી મોટી રકમ મળશે અથવા ચેન્નાઈ સુપર કિંગ્સ તેના માટે બોલી લગાવશે. તેમણે કહ્યું હતું કે સમીરની ઘણી મહત્વકાંક્ષા છે.
સારું ઘર, પિતાની યોગ્ય સારવાર અને આવી ઘણી વસ્તુઓ કરવાની છે. અલ્લાહ આશીર્વાદ આપે, તે આ બધું પૂર્ણ કરી શકે. SS1SS