Western Times News

Gujarati News

ઝારખંડના સંમેદશિખરજી પાર્શ્વનાથ પર્વતરાજની સ્વતંત્ર માન્યતા અને પવિત્રતા જાળવવાની માંગ

જૈન તીર્થંકરોના ઉદ્ધાર સ્થાન એવા સંમેદશિખરજીના સ્થાનોને પર્યટન સ્થળ જેવી હાલત કરાતા વિરોધ

(પ્રતિનિધિ)મોડાસા, આજરોજ અન્ય સ્થાનોની જેમ વિજયનગર ખાતે પણ રેલી યોજીને જૈન સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જૈન તીર્થંકરોના ઉદ્ધાર સ્થાન એવા સંમેદશિખરજીના સ્થાનોને પર્યટન જેવી હાલત કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ઝારખંડના સંમેદશિખરજી પાર્શ્વનાથ પર્વતરાજની સ્વતંત્ર માન્યતા અને પવિત્રતા જાળવવાની માંગ બુલંદ બનાવાઈ હતી.

વિશ્વ જૈન સંગઠન (રજિસ્ટર્ડ) દ્વારા ૨૦ જૈન તીર્થંકરોના ઉદ્ધાર સ્થાન શ્રી સંમેદશિખરજી પાર્શ્વનાથ પર્વતરાજ (ઝારખંડ)ની સ્વતંત્ર માન્યતા, પવિત્રતા અને રક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી શ્રી સંમેદશિખરજી ચળવળના સમર્થનમાં અને આવા પવિત્ર જૈન ધર્મ સ્થાનોને પર્યટન સ્થળો જેવી હાલતમાં ફેરવવાના વિરોધમાં આજે સમગ્ર દેશભરમાં દરેક રાજ્ય અને તાલુકાઓમાં આવેદનપત્ર આપવાના ભાગરૂપે આજે વિજયનગર જૈન સમાજ દ્વારા પણ શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી અને વિજયનગર મામલતદાર કચેરીએ આબાલવૃદ્ધ સૌએ રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર આપ્યું હતું.

વિજયનગર જૈન મંદિરથી શાંતિથી નીકળેલ રેલી વાઘડિયા વડલા,બસ સ્ટેન્ડ અને બજાર થઈ,હાથમાં સૂત્રો લખેલ નાના બોર્ડ સાથે રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સંબોધીને આપવામાં આવેલ આ આવેદનપત્ર વિજયનગર જૈન સમાજના પ્રમુખ શાહ હર્ષદ દિનેશચંદ્ર ,ઉપપ્રમુખ શાહ મનોજ રતિલાલ મંત્રી નલિનકુમાર ભીખાલાલ સહમંત્રી ગોવાળિયા હિતેશકુમારની ઉપસ્થિતિમાં આપવામા આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.