સાણંદના મોડાસરમાં અથડામણ ત્રણ ઉપર છરીથી હુમલો કરાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/11/western-Red-PNG-1024x730.png)
પાંચ વ્યક્તિ ઘાયલ: એકનું મોત
રિક્ષામાં ઘસરકો પડવા બાબતે પડોશીએ હુમલો કરતા આધેડે દમ તોડ્યો: સાત સામે હત્યાનો ગુનો
નવી દિલ્હી,સાણંદના મોડાસર ગામે રિક્ષામાં ઘસરકો પડવા બાબતે અપાયેલા ઠપકા બાદ બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ વ્યક્તિ પર થયેલા છરીથી હુમલામાં આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચને ઇજા પહોંચી હતી. પોલીસે હુમલો કરનારા સાત સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સાણંદના મોડાસર ગામે રાવળવાસમાં રહેતા અને રિક્ષા ચલાવતા ભરતભાઇ જીલુભાઇ રાવળે તેમના વાસમાં રિક્ષા મુકી હતી. સવારના સમયે તેમના ઘરની નજીક રહેતો વિષ્ણુ ગોવિંદ રાવળ તેની રિક્ષા લઇને નિકળ્યો હતો અને ભરતભાઇની રિક્ષાને ઘસીની નકળ્યો હતો
આથી ભરતભાઇએ વિષ્ણુને બાજુમાં ખુલ્લી જગ્યા હોવા છતાં તેની રિક્ષાને ઘસાઇને કેમ કાઢે છે તે બાબતે ઠપકો આપ્યો હતો. આથી ગુસ્સે થઇ ગયેલા વિષ્ણુનો અવાજ સાંભળીને તેના પિતા ગોવિંદભાઇ કરસનભાઇ રાવળ સહિત ધમા કરશન રાવળ, વિશાલ વિક્રમ રાવળ ,રેશમબેન ગોવિંદભાઇ રાવળ ઘરેથી લાકડી અને લોખંડની પાઇપો સાથે દોડી આવ્યા હતા જ્યારે વિક્રમ ધમા રાવળ તેમજ સાહિલ વિક્રમ રાવળ છરી લઇને આવ્યા હતા.આ તમામ લોકો ભરત પર તુટી પડતા ભરતના પત્ની કંચનબેન, તેની માતા શિવુબેન ભત્રીજો અશ્વિન, સાગર અને તેના મોટા બાપાનો દિકરો પ્રહલાદ હરજી રાવળ દોડી આવીને ભરતને છોડાવતા હતા આ સમયે ભરતના પિતા જીલુભાઇ ચીકાભાઇ રાવળ અને તેના મોટાબાપુ બલાભાઇ ચીકાભાઇ ઢોલ વગાડીને પરત આવતા હતા ત્યારે ઝઘડો જોઇને તેઓ વચ્ચે પડીને તેમના પરિવારના સભ્યોને છોડાવતા હતા.
આ સમયે વિક્રમ ધમાભાઇ રાવળે જીલુભાઇના ખભાના ભાગે છરી ઝીકી દીધી હતી જ્યારે અન્ય તમામ સભ્યો જીલુભાઇ પર લાકડી અને પાઇપો વડે તુટી પડતા જીલુભાઇ બેભાન થઇને ઢળી પડ્યા હતા જ્યારે સાહિલ વિક્રમ રાવળે અશ્વિનના બરડાના ભાગે છરીને ઘા માર્યાે હતો આ સમયે સાગર વચ્ચે પડતા સાહિલે તેને પણ હાથ પર છરીનો ઘા ઝીંકી દીધો હતો.આ અથડામણ બાદ ગામલોકો દોડી આવતા તમામને છુટી પાડીને જીલુભાઇ સહિત તમામને રિક્ષામાં નાખીને સારવાર માટે બાવળા લઇ જવાયા હતા જ્યાં વધારે પડતું લોહી વહી જવાથી તેમજ ગંભીર ઇજા થતાં જીલુભાઇ ચીકાભાઇ રાવળ(ઉ.વર્ષ ૬૫)નું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ચાંગોદર પીઆઇ એ.પી. ચૌધરી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ગોવિંદ કરસન રાવળ, વિષ્ણુ ગોવિંદ રાવળ, ધમા કરશન રાવળ, વિક્રમ ધમા રાવળ, વિશાલ વિક્રમ રાવળ, રેશમબેન ગોવિંદ રાવળ, તેમજ સાહિલ વિક્રમ રાવળ સહિત સાત સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.ss1