બનાસ નદીમાં રેતચોરી કરતાં ૧૦ ડમ્પર સાથે રૂ.૪ કરોડનાં વાહનો જપ્ત કરાયાં

પ્રતિકાત્મક
પાટણ, સરસ્વતી તાલુકાના ઉદરા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીનાં પટમાં ગેરકાયદે ખનન કરી રેતીની ચોરી કરતાં હોવાની બાતમી મળતાં ખાણ ખનીજ વિભાગે એક દિવસ નજર રાખી બીજા દિવસે ચારથી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા ઓચિતી રેડ કરી રેતી ભરતાં મશીન સહિત રેત ભરવા આવેલા ડમ્પરો જપ્ત કરી રેતી ચોરીનું કૌભાંડ પકડયું હતું કંબોઈના ઈસમ દ્વારા નદીમાં રેતી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
જે સમયે મશીન મારફતે નદીમાં ખોદકામ કરી ડમ્પરોમાં રેતી ભરવામાં આવી રહી હતી ત્યારે જ વિભાગે રેડ કરી હતી. ખનીજ ચોરોએ તંત્રની ટીમને નદીમાં જોતાંની સાથે રેતી ભરવા આવેલા ખનીજ ચોરોએ વાહનો સાથે ભાગવાનો પ્રયત્ન કરતાં દોડધામ મચી હતી.
પરંતુ ખાણ ખનીજ વિભાગની ટીમે રેતી ભરવા માટે આવેલા ૧૦ ડમ્પરો અને એકસકેવેટર મશીન રોકી સ્થળ ઉપર કુલ ૪ કરોડના વાહનો જપ્ત કર્યા હતા. તમામ વાહનો ખાણ ખનીજના સ્ટોક રજીસ્ટ્રેશન વિસ્તારમાં રાખવામાં આવ્યા છે.
ખનીજ ચોરો બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામ કરી ડમ્પરોમાં રેતી ભરી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં વેચાણ કરતા હતાં તેવું જાણવામળ્યું છે. કાંકરેજના કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા નદીમાં ગેરકાયદે ખનન કરાતું હતું.