ઈડર તાલુકામાં રેતી માફિયાઓ બેરોકટોક

પ્રતિકાત્મક
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં નદી કિનારે આવેલા અનેક ગામડાઓના રસ્તા પરથી રાત દિવસ અનેક ખનીજ માફિયાઓ પોતાની વગ વાપરીને ખાણખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને સરકારની આવકમાં ઘટાડો કરી રહ્યા હોવા છતાં ખનીજ માફિયાઓ બેરોટોક વાહનોમાં નદીની રેતી ભરીને હેરાફેરી કરી રહ્યા છે,
ત્યારે ઈડર તાલુકામાંથી પસાર થતી ગૌવાવ નદીની હાલત એટલી કફોડી બની ગઈ છે કે નદી કિનારાની સીમમાં આવેલ બોરકુવાના પાણી ખુબજ ઉંડા જતા રહ્યા છે એટલુ જ નહીં પણ ગામડાઓના રસ્તા પરથી સતત પસાર થઈ રહેલ ભારે વાહનોને લીધે ધુળના રજકણો ખેતીના પાકો પર ચોટી જતા હોવાને કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થઈ રહ્યું હોવાથી અનેક રજુઆતો કરવા છતાં ખાણખનીજ ખાતુ કોઈ કાર્યવાહી ન કરતું હોવાની ચર્ચા ચાલી રહી છે જેથી સંલગ્ન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે ઈડર તાલુકા બરવાવ, બડોલી, ચાડપ તેમજ લાલપુર પંથકમાંથી પસાર થતી ગૌવાવ નદીમાંથી કેટલાક ખનીજ માફીયાઓ પોતાની વગ વાપરીને તથા પૈસાના જોરે ખાણખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને રાત દિવસ ગૌવાવ નદીમાંથી રેતી ઉલેચી રહ્યા છે.
જેના લીધે ઈડર તાલુકાના બરવાવ, ચાડપ લલાપુર- બડોલીની સીમમાંથી પસાર થતી ગૌવાવ નદી તેમજ ઈડર ગઢ પાછળ તેમજ આજુબાજુ ગામોમાં આવેલ તળાવો, નદી, વાંઘામાંથી છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ કાયદાને ઘોળીને પી રહ્યા છે. રાત્રે અને દિવસે રેતી ભરેલા ટ્રેકટરો, ટર્બો ટ્રક સહિત નંબર વગરના વાહનોમાં રેતીનું ખનન કરી તેને અન્ય સ્થળે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડી તગડી કમાણી કરી રહ્યા છે
એટલું જ નહી પણ કેટલાક ખનીજ માફિયાઓ આમપ્રજાને થાય તે કરી લો તેવા લલકાર સાથે સરકારની આવકમાં ધરખમ ઘટાડો કરીરહ્યા હોવા છતાં ખાણખનીજ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી તેવી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓ વચ્ચે સાઠગાંઠ હોવાથી તેમનું કોઈ બગાડી શકતુ નથી.
ગૌવાવ નદીમાં સતત થઈ રહેલા ખનનને કારણે નદી કિનારે આવેલા ખેડૂતોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તથા નદીમાં પાણી ન રહેતું હોવાથી બોર કુવાઓમાં રિચાર્જ થતાં નથી જેથી પાણીના તળ ખૂબ જ નીચે જતા રહ્યા છે. આમ પ્રજાની એવી લાગણી અને માંગણી છે કે જો જિલ્લાનું ખાણખનીજ તંત્ર તપાસ કરવામાં આળસ કરે તો ઉચ્ચકક્ષાએથી દરોડા પાડીને રાજકારણીઓની શરમ રાખ્યા વિના કાર્યવાહી થાય તો સરકારને કરોડો રૂપિયાની આવક થઈ શકે છે.